મુંબઈના પરેલમાં રહેણાંક ઈમારતની આગે 4નો ભોગ લીધો; ક્રિસ્ટલ ટાવર અસુરક્ષિત ઘોષિત

0
1156

મુંબઈ – મધ્ય મુંબઈના પરેલ ઉપનગરના પૂર્વ ભાગમાં આવેલી રહેણાંક ઈમારત ક્રિસ્ટલ ટાવરમાં આજે સવારે લાગેલી આગમાં ચાર જણનાં મરણ નિપજ્યા છે. ચારેય જણ ગૂંગળાઈને મૃત્યુ પામ્યા છે. આ દુર્ઘટના લાપરવાહીને કારણે સર્જાઈ હોવાનું કહેવાય છે.

હિંદમાતા થિયેટર નજીક આવેલા 17 માળવાળા ક્રિસ્ટલ ટાવરમાં આગ આજે સવારે લગભગ 8.30 વાગ્યે 12મા માળ પર લાગી હતી.

અગ્નિશામક દળના જણાવ્યા મુજબ, આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. આગમાં 20 જેટલા લોકો ઘાયલ થયા છે.

આગ લાગ્યાની જાણ કરાતાં તરત જ અગ્નિશામક દળના જવાનો 10 ગાડીઓ અને 4 વોટર ટેન્કર્સ સાથે ત્યાં પહોંચી ગયા હતા. એમણે અનેક લોકોને બચાવી લીધા છે.

મૃત્યુ પામેલા બે જણનું લિફ્ટ અટકી જતાં ગૂંગળાઈને મૃત્યુ થયું હતું.

ક્રિસ્ટલ ટાવર વિશે એવી ચોંકાવનારી જાણકારી મળી છે કે એને ઓક્યૂપેશનલ સર્ટિફિકેટ મળ્યું નહોતું. તે છતાં છેલ્લા પાંચ વર્ષથી આ ટાવરમાં 40 ફ્લેટમાં અનેક પરિવારોના દોઢસો જેટલા લોકો રહે છે.

2013-14માં સુપારીવાલા બિલ્ડર્સે આ ઈમારત બાંધી હતી. એવું કહેવાય છે કે મુંબઈ મહાપાલિકાના બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગે 2016માં આ ઈમારતને નોટિસ મોકલી હતી.

અગ્નિશામક વિભાગના એક અધિકારીએ કહ્યું કે ક્રિસ્ટલ ટાવરમાં ફાયર સિસ્ટમ એક્ટિવ નહોતી. તેથી પ્રશાસને હવે આ ટાવરને અસુરક્ષિત ઘોષિત કર્યું છે.

સાથોસાથ, આ ટાવરની કમિટી વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો છે.

આ દુર્ઘટનામાં શુભદા શેળકે (62), બબલૂ શેખ (36)નું મૃત્યુ થયું છે. અન્ય બે જણનું લિફ્ટમાં ગૂંગળાઈ જવાથી મરણ નિપજ્યું છે.

ફાયરમેનોએ ક્રેનની મદદથી અનેક જણને બચાવ્યા હતા.