મુંબઈઃ રિપબ્લિક ટીવીના તંત્રી અર્ણબ ગોસ્વામીની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચ વિભાગના અધિકારીઓએ રિપબ્લિક ટીવી ચેનલના તંત્રી અર્ણબ ગોસ્વામીને આજે સવારે એમના ઘરમાં પ્રવેશીને ધરપકડ કરી છે.

રિપબ્લિક ટીવી ચેનલનો દાવો છે કે પોલીસ અધિકારીઓએ ગોસ્વામી પર હુમલો કર્યો હતો અને બળજબરીથી એમને પોલીસ વેનમાં બેસાડીને લઈ ગયા હતા.

અહેવાલો અનુસાર, ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને એમના માતા કુમુદ નાઈકના 2018માં નિપજેલા મૃત્યુના સંબંધમાં ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે.

એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે ગોસ્વામીને કેસના સંદર્ભમાં પૂછપરછ માટે રાયગડ જિલ્લાના અલીબાગ ખાતે લઈ જવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ટીઆરપી કૌભાંડના સંબંધમાં પણ હાલ ગોસ્વામી સામે તપાસ ચાલે છે.

2018ના મે મહિનામાં 53 વર્ષીય ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને એમના માતા કુમુદ નાઈક અલીબાગમાં આત્મહત્યા કરાયેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા.

કથિતપણે અન્વયે લખેલી સુસાઈડ નોટ મલી આવી હતી જેમાં તેમણે એવું લખ્યું હતું કે ગોસ્વામી તથા અન્ય બે જણે એમને રૂ. 5.40 કરોડ ચૂકવ્યા નથી જેને કારણે પોતે આર્થિક ભીંસમાં આવી ગયા છે.

રિપબ્લિક ટીવી ચેનલે અર્ણબના ઘરમાં પ્રવેશેલા પોલીસના દ્રશ્યો ટીવી પર દર્શાવ્યા હતા. એમાં જોઈ શકાયું હતું કે ઘરમાં ઝપાઝપી થઈ હતી. એ દ્રશ્યોના સ્ક્રીનશોટ્સ ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે.