મંદિરો હમણાં નહીં ખોલાય, ભગવાન આપણી અંદર છે, સર્વત્ર છેઃ મુંબઈ હાઈકોર્ટ

મુંબઈઃ હાઈકોર્ટે મુંબઈ શહેરમાં પૂજા કરવા માટે જૈન મંદિરો સહિત ધાર્મિક સ્થળોને ફરી ખોલવા દેવાની અરજીને નકારી કાઢી છે.

ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાઈરસનો રોગચાળો નાબૂદ થયો નથી. તેથી મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ધાર્મિક સ્થળો-મંદિરોને પૂજાપાઠ કરવા માટે ફરી ખોલવાની ના પાડી છે. આ મંદિરો ગયા માર્ચ મહિનાથી કોરોના-લોકડાઉન લાગુ કરાયું ત્યારથી બંધ કરી દેવામાં આવ્યા છે.

મુંબઈ હાઈકોર્ટે લોકોના જાન અને જાહેર આરોગ્ય પર માઠી અસર થઈ શકે એવું કારણ આપીને મંદિરો અને ધાર્મિક સ્થળોને ફરી ખોલવાની માગણી કરતી બે પીટિશનને નકારી કાઢી છે.

એક પીટિશન જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ તથા બીજી અંકિત હીરજી નામના એક નાગરિકે નોંધાવી હતી.

બંનેની અરજીને નકારી કાઢી હાઈકોર્ટે કહ્યું કે, ભગવાન આપણી અંદર જ છે અને સર્વત્ર છે. અમે હાલને તબક્કે મંદિરો ફરી ખોલવાની પરવાનગી આપી શકીએ નહીં.

ન્યાયમૂર્તિઓ એસ.જે. કાથાવાલા અને માધવ જે. જામદારની બેન્ચે તેના ચુકાદામાં આમ જણાવ્યું. કોર્ટે તેમ પણ કહ્યું કે ખૂબ અનિચ્છા સાથે કોર્ટને આ પીટિશન નકારી કાઢવી પડી રહી છે.

બંને અરજદારે કોર્ટને વિનંતી કરી હતી કે હાલ જૈન સંપ્રદાયમાં પર્યૂષણનો મહિનો હોવાને કારણે જૈન મંદિરોમાં પૂજા કરવા દેવી જોઈએ.

પરંતુ, કોર્ટે અરજીઓને નકારી કાઢતા કહ્યું કે, હાલને તબક્કે સાચી સમજણ ધરાવનાર તમામ લોકોની એ ફરજ બને છે કે તેઓ પોતાની ધાર્મિક ફરજ, સમાજ પ્રત્યેની ફરજ અને શેષ માનવજાત પ્રત્યેની ફરજમાં સંતુલન જાળવે. આ સંદર્ભમાં અમે ફરી કહીએ છીએ કે ભગવાન આપણી અંદર જ છે અને ભગવાન સર્વત્ર છે.