કેપ્ટન દિપક સાઠેનાં સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમસંસ્કાર કરાયા

મુંબઈઃ કેરળના કોઝીકોડના એરપોર્ટ પર ગઈ 7 ઓગસ્ટે એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનને નડેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિમાનના પાઈલટ દિપક સાઠેના આજે મુંબઈમાં સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમયાત્રા શરૂ કરાઈ એ પહેલાં એમના પાર્થિવ શરીરને અંધેરી (પૂર્વ)ના ચાંદીવલી વિસ્તાર સ્થિત એમના નિવાસસ્થાનની હાઉસિંગ સોસાયટી ખાતે સુરક્ષા દળ દ્વારા ગન સેલ્યૂટ આપવામાં આવી હતી. દિપક સાઠેને રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો હતો.

વિક્રોલી ઉપનગરસ્થિત સ્મશાનભૂમિમાં દિપક સાઠેના પાર્થિવ શરીરને એમના મોટા પુત્ર શાંતનૂએ અગ્નિદાહ આપ્યો હતો.

કેપ્ટન દિપક સાઠે ભારતીય હવાઈ દળના સર્વોચ્ચ પુરસ્કાર Sword of Honour થી સમ્માનિત કરાયા હતા. એ વિન્ગ કમાન્ડર (સેવાનિવૃત્ત) હતા.

એર ઈન્ડિયા એક્સપ્રેસનું તે પેસેન્જર વિમાન 7 ઓગસ્ટે દુબઈથી આવ્યું હતું અને તે ગોઝારી સાંજે ભારે વરસાદના વાતાવરણમાં કોઝીકોડના ટેબલટોપ રનવે પર ઉતરાણ કર્યા બાદ રનવે પર ઓવરશૂટ થયું હતું અને 35 ફૂટ નીચે ખાઈમાં જઈ પડ્યું હતું. વિમાનના બે ટૂકડા થઈ ગયા હતા. કેપ્ટન દિપક સાઠે અને એમના સહ-પાઈલટ અખિલેશ કુમાર સહિત 18 પ્રવાસીઓનું એ દુર્ઘટનામાં કરૂણ મૃત્યું થયું હતું. વિમાનમાં કુલ 190 પ્રવાસીઓ હતા.

કેપ્ટન દિપક સાઠેના પિતા બ્રિગેડિયર વસંત સાઠે (નિવૃત્ત) છે અને એમના પત્ની સાથે નાગપુરમાં રહે છે. દિપક સાઠેનું પાર્થિવ શરીર નિવાસે લાવવા માટે પત્ની સુષમા સાઠે એમનાં એક પુત્રની સાથે કેરળ ગયા હતા.

દિપક સાઠેના પાર્થિવ શરીરને ગયા રવિવારે મુંબઈ લાવવામાં આવ્યું હતું અને આજે સવારે નિવાસસ્થાને અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યું હતું. એ વખતે એમના માતા-પિતા, પત્ની, સંતાનો, સગાસંબંધીઓ, મિત્રો તથા સ્નેહીઓ ઉપસ્થિત હતાં. સદ્દગત દિપક સાઠેની અંતિમ યાત્રામાં અનેક લોકો સહભાગી થયા હતા. અંતિમયાત્રા શરૂ કરાઈ ત્યારે રસ્તાઓ પર લોકોની ભીડ જોવા મળી હતી, જેઓ ‘દિપક સાઠે અમર રહે’ નારા લગાવતા હતા.

ભારતીય હવાઈ દળ વતી પાર્થિવ શરીર પર પુષ્પચક્ર અર્પણ કરવામાં આવ્યું હતું. દિપક સાઠે એર ઈન્ડિયામાં જોડાયા એ પહેલાં હવાઈ દળમાં હતા.

(નિવાસસ્થાનની હાઉસિંગ સોસાયટી ખાતે સુરક્ષા દળ દ્વારા દિવંગત કેપ્ટન દિપક સાઠેને ‘ગન સેલ્યૂટ’ આપવામાં આવી તેનો તીર્થ પટેલે શૂટ કરેલો વિડિયો)

ભારતમાં વિવિધ એરલાઈન્સના 500થી વધારે પાઈલટ્સ, 1200થી વધારે કેબિન ક્રૂ તથા એવિએશન ક્ષેત્ર સાથે સંકળાયેલા બીજા સેંકડો લોકોએ આજે મુંબઈ વિમાનીમથકે કેપ્ટન દિપક સાઠેના પાર્થિવ શરીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.