ઘેર-ઘેર રસીકરણ અશક્ય? ફેરવિચારણા કરોઃ મુંબઈ-હાઈકોર્ટ (કેન્દ્રને)

મુંબઈઃ મુંબઈ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આજે જણાવ્યું છે કે ‘ઘેર-ઘેર જઈને કોવિડ-19 રસી આપવાનું શક્ય નથી’ એવા તમારા વલણ વિશે ફેરવિચારણા કરો. કોર્ટે એમ પણ કહ્યું છે કે વૃદ્ધજનો અને વિકલાંગ લોકોની હાલત વિશે સરકારે વિચારવું જ જોઈએ. ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણીની વિભાગીય બેન્ચે કહ્યું કે સરકાર વૃદ્ધજનોને મરવાની હાલતમાં છોડી ન શકે.

ધૃતિ કાપડિયા અને કુણાલ તિવારી નામના બે લૉયરે નોંધાવેલી જનહિતની અરજી પરની સુનાવણી વખતે કોર્ટે ઉપર મુજબ કહ્યું હતું. અરજીમાં જણાવાયું હતું કે સરકારે 75 વર્ષની ઉપરની વયના લોકો, વિકલાંગ લોકો અને જે લોકો પથારીવશ કે વ્હીલચેરગ્રસ્ત છે એમને તેમના ઘેર જઈને કોરોના-વિરોધી રસી આપવી જોઈએ. આ અરજી પર કેન્દ્ર સરકારે એવો જવાબ આપ્યો હતો કે, ‘ચેપ અને રસીના બગાડની શક્યતા સહિત અનેક કારણોસર તેમ કરવું શક્ય નથી.’ કોર્ટે આજે કહ્યું કે, ‘દેશમાં એવા ઘણા વૃદ્ધજનો તથા અન્ય લોકો છે જેઓ બીમારીને કારણે એમનાં ઘરની બહાર નીકળી શકે એમ નથી. આમ કરવું શક્ય નથી, માત્ર એટલું કહીને પ્રકરણ બંધ ન કરો. આને કંઈ નીતિ ન કહેવાય. કેન્દ્ર સરકારે પોતાની નીતિ ઉપર ફેરવિચારણા કરવી જોઈએ અને વૃદ્ધજનો માટે કંઈક કરવું જોઈએ.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]