રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 9000માં દાખલ કરાવવાનું કૌભાંડ

રાજકોટ: દેશમાં કોરોનાના કેસોમા જેમ વધી રહ્યા છે તેમ-તેમ દેશમાં ઓક્સિજનવાળા બેડની ખેંચ વર્તાઈ રહી છે, જેમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ બાકાત નથી. જોકે કેટલીક સરકારી હોસ્પિટલોમાં દાખલ થવા માટે એજન્ટો ફરી રહ્યા છે, જેઓ પૈસા લઈને બેડ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

રાજ્યમાં એક તરફ સરકારી હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સોની લાંબી લાઇનો લાગી છે, ત્યારે રાજકોટમાં લાંબી લાઇન વચ્ચે પણ રૂ. 9000 ચૂકવાય તો 30 મિનિટમાં બેડ આપવાનું એક કૌભાંડ બહાર આવ્યું છે. લોકો પાસેથી બેડ માટે રૂ. 9000 પડાવતો એક યુવક પણ આ વિડિયોમાં દેખાય છે.

જોકે ક્રાઇમ બ્રાન્ચે અને પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન દ્વારા બે લોકોની અટકાયત કરવામાં આવી છે. આ આરોપી ઓળખ જગદીશ સોલંકી (20) અને હિતેશ મહિડા (18) તરીકે કરવામાં આવી છે- બંને જણ જામનગરના રહેવાસી છે. સોલંકી હોસ્પિટલ્સ એટેન્ડન્ટનું કામ કરે છે, જ્યારે હિતેશ સફાઈ કામદાર છે.

એક વિડિયોમાં સોલંકી બેડદીઠ રૂ. 9000 માગતો દેખાય છે. તે પેશન્ટના સગા સાથે ભાવતાલ કરે છે અને કંઈ પણ ઓછું લેવાની ના પાડે છે અને કહે છે જો તમારી પાસે પૈસા હોય તો ચૌધરી સ્કૂલ પર આવીને મને કોલ કરો.

પોલીસે કહ્યું હતું કે આ આરોપીઓ પૈસા લઈને કોરોનાના દર્દીઓને બેડ આપવા માટે સિસ્ટમમાં છીંડાઓનો ઉપયોગ કરતા હતા. અમે હજી તેમની વિરુદ્ધ વધુ પુરાવા એખઠા કર્યા પછી  એફઆઇઆર નોંધીશું, એમ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ગઢવીએ કહ્યું હતું. પોલીસે કહ્યું હતું કે આરોપીઓએ તે વ્યક્તિના સંબંધીને બેડ આપવાની કબૂલાત કરી હતી, જેનો વિડિયો વાઇરલ થયો છે.