બિટકોઈન કૌભાંડ: શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાની પાંચ કલાક સુધી પૂછપરછ ચાલી

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા ફરી મુસીબતમાં સપડાઈ ગયા છે, કારણ કે એમનું નામ રૂ. 2000 કરોડના બિટકોઈન કૌભાંડમાં ચમક્યું છે અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે વધુ પૂછપરછ માટે એમને બોલાવ્યા હતા. ઈડી અધિકારીઓએ કુન્દ્રાની આજે પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી.

રાજ કુન્દ્રા આ પહેલાં ક્રિકેટની સટ્ટાખોરીમાં સંડોવાયા હતા અને એમને ક્રિકેટને લગતી તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી હતી અને એમની ટીમ રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

બિટકોઈન કૌભાંડના કેસમાં પકડાયેલા અમિત ભારદ્વાજની પૂછપરછ કરાઈ હતી એ વખતે રાજ કુન્દ્રાનું નામ આવ્યું હતું.

દરરોજ રૂ. 1 કરોડ કે તેથી વધુની કિંમતના બિટકોઈન્સનો વેપાર કરનાર બિટકોઈન યુઝર્સને ઈન્કમ ટેક્સ વિભાગે નોટિસ મોકલી છે. એ નામો ત્યારબાદ ઈડી એજન્સીને મોકલવામાં આવ્યા હતા જે આ કેસમાં મની લોન્ડરિંગ અને છેતરપીંડીની સંભાવના વિશે તપાસ કરી રહી છે. કહેવાય છે કે તપાસ દરમિયાન ઘણી જાણીતી વ્યક્તિઓ, ખાસ કરીને બોલીવૂડની સેલિબ્રિટીઝના નામ ચમક્યા છે.

રાજ કુન્દ્રા પર આઈપીએલ સટ્ટાખોરી કૌભાંડના સંદર્ભમાં આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેઓ ક્રિકેટ સંબંધિત તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે એમ નથી.

કુન્દ્રા જેના સહ-માલિક છે તે રાજસ્થાન રોયલ્સ ટીમે જોકે આઈપીએલમાં પુનરાગમન કર્યું છે અને એણે હાલમાં જ રમાઈ ગયેલી મોસમમાં ભાગ લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]