મુંબઈઃ બિઝનેસમેન રાજ કુન્દ્રા જેમાં એક આરોપી છે અને હાલ કસ્ટડીમાં છે તે પોર્નોગ્રાફીના એક કેસમાં અભિનેત્રી ગહના વશિષ્ઠએ નોંધાવેલી આગોતરા જામીન માટેની અરજીને અહીંની એક સેશન્સ કોર્ટે આજે નકારી કાઢી છે. આ કેસની તપાસના સંબંધમાં પોલીસ પોતાની ધરપકડ કરશે એવો ડર લાગતાં ગહનાએ એડિશનલ સેશન્સ જજ સોનાલી અગ્રવાલની કોર્ટમાં આગોતરા જામીન અરજી નોંધાવી હતી. કોર્ટે તેને આજે નકારી કાઢી છે.
ગયા અઠવાડિયે પણ કોર્ટે ગહનાને ધરપકડ સામે કોઈ પણ પ્રકારનું રક્ષણ આપવાનો ઈનકાર કર્યો હતો. ત્યારે જજે એમ કહ્યું હતું કે, ‘પોલીસ એફઆઈઆરમાં કરાયેલા આરોપ ગંભીર પ્રકારના છે. જેમાં જણાવાયું છે કે આરોપી વ્યક્તિ પીડિતાઓને કિસ તથા સેક્સના સીન કરવાની ફરજ પાડતા હતા. આ આરોપો અને સંજોગોને ધ્યાનમાં રાખીને તમને કોઈ પણ પ્રકારની વચગાળાની રાહત આપવાનું હું યોગ્ય માનતી નથી.’ અશ્લીલ ફિલ્મો બનાવીને મોબાઈલ એપ્સ દ્વારા વિતરિત કરવા બદલ આરોપીઓ સામે મુંબઈ પોલીસે અસંખ્ય એફઆઈઆર નોંધી છે.