મુંબઈ, પડોશના વિસ્તારોમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી

મુંબઈઃ બંગાળના અખાતમાં હવાના ઓછા દબાણનું ક્ષેત્ર નિર્માણ થયું હોવાને લીધે મુંબઈ, નવી મુંબઈ, થાણે, પાલઘર ઉપરાંત મહારાષ્ટ્રના કોકણ, સાતારા, પુણે જિલ્લાઓમાં પણ આગામી ચાર દિવસ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમુક વિસ્તારોમાં જોરદાર તો અમુક સ્થળે ધીમો વરસાદ પડી શકે છે.

કોકણ સમુદ્રકાંઠા વિસ્તારમાં તથા પડોશના ગોવા રાજ્યમાં જોરદાર વરસાદ પડવાની આગી છે. આગામી ચાર-પાંચ દિવસ મુંબઈ સહિત મહારાષ્ટ્રના સમુદ્રકાંઠા વિસ્તારોમાં હવામાન બદલાશે. અમુક સ્થળે વરસાદ પડશે તો અમુક સ્થળે આકાશ વાદળછાયું રહેશે. હવામાન-વાતાવરણમાં આ ફેરફારને લીધે આગામી અમુક દિવસોમાં તાપમાન ઘટીને ઠંડી વધવાની સંભાવના છે. બંગાળના ઉપસાગરમાં દક્ષિણપૂર્વ ખૂણે હવાના ઓછા દબાણનું ક્ષેત્ર નિર્માણ થયું છે અને એને લીધે ચક્રવાત વાવાઝોડું પણ સર્જાવાની સંભાવના છે. એને કારણે તામિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં કેટલાક સ્થળે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે.