નવી મુંબઈના રહેવાસીઓનું સપનું સાકારઃ શુક્રવારથી લાઈન-1 મેટ્રો ટ્રેન સેવા શરૂ

મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરનાં રહેવાસીઓની મેટ્રો ટ્રેનમાં સફર કરવાનું સપનું આવતીકાલથી સાકાર થશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યની આયોજન સંસ્થા સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સીડકો) ને આદેશ આપ્યો છે કે નવી મુંબઈમાં મેટ્રો ટ્રેન સેવા 17 નવેમ્બરથી શરૂ કરી દેવી.

આ મેટ્રો ટ્રેન લાઈન નંબર-1 કહેવાશે. તે બેલાપુર અને પેંઢાર વચ્ચેની છે અને 11 કિ.મી.ની છે. આ લાઈન પર સેવા શરૂ કરવાનું પ્રમાણપત્ર ગઈ 21 જૂને મળી ગયું હતું, પરંતુ કોઈક અજ્ઞાત કારણસર સેવા આરંભમાં વિલંબ થયો છે. આ લાઈન પર બેલાપુર, આરબીઆઈ કોલોની, બેલાપાડા, ઉત્સવ ચોક, કેન્દ્રીય વિહાર, ખારઘર વિલેજ, સેન્ટ્રલ પાર્ક, પેઠાપાડા, અમનદૂત, પેથાલી તલોજા અને પેંઢાર ટર્મિનલ સ્ટેશનો છે.