અવાજનું પ્રદૂષણ વધારતા સેંકડો મોડીફાઈડ સાઈલેન્સર્સનો મુંબઈ ટ્રાફિક પોલીસે નાશ કર્યો

મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં હવાનું પ્રદૂષણ ખૂબ બગડી ગયું છે. એર ક્વાલિટી ઈન્ડેક્સ (AQI) ઘણો ખરાબ થયો છે. આવી જ હાલત અવાજના પ્રદૂષણની પણ છે. પ્રદૂષણ ફેલાવનારાઓ સામે મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ પોલીસે પગલાં/કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે હવામાં તેમજ અવાજનું પ્રદૂષણ ફેલાવતા વાહનોમાં બેસાડવામાં આવેલા મોડીફાઈડ સાઈલેન્સર્સ જપ્ત કરીને એનો નાશ કર્યો છે. ટ્રાફિક પોલીસ વિભાગે એવા વાહનોના 584 મોડીફાઈડ સાઈલેન્સર્સને દક્ષિણ મુંબઈ સ્થિત પોલીસ મુખ્યાલયના મેદાનમાં ગોઠવી રોડ રોલર હેઠળ કચડાવી દઈને એનો નાશ કરી દીધો છે.

છેલ્લા એક પખવાડિયામાં ટ્રાફિક પોલીસે જુદા જુદા ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ 5,866 કારચાલકોને દંડ ફટકાર્યો હતો. ગઈ 7 નવેમ્બરથી પોલીસે પ્રદૂષણ નિયંત્રણ નિયમોનો ભંગ કરનાર 20,000થી વધારે કાર/ટ્રક ચાલકો અને ટૂ-વ્હીલર ચાલકોને દંડ ફટકાર્યો છે.

જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) પ્રવીણ પડવાલે કહ્યું કે હવાનું પ્રદૂષણ ફેલાવતા 2,051 વાહનો પકડવામાં આવ્યા છે અને એમના ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.