મોદી કરશે મુંબઈ-નવી મુંબઈ વચ્ચે વોટર-ટેક્સી-સેવાનું ઉદઘાટન

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી-2022ના પહેલા જ અઠવાડિયામાં મુંબઈની મુલાકાતે આવવાના છે. એ દરમિયાન તે મુંબઈ અને પડોશના નવી મુંબઈ શહેર વચ્ચે વોટર ટેક્સી સેવાનું લોકાર્પણ કરશે. આ સેવા શરૂ કરાય એની બંને શહેરનાં લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આ વોટર ટેક્સી સેવા શરૂ થવાથી મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનો સફર-સમય ઘણો ઘટી જશે. હાલ પનવેલ ખાડી પર નેરુલ પેસેન્જર વોટર ટર્મિનલ ડેવલપ કરવામાં આવી રહ્યું છે. આ સેવા શરૂ થવાથી બંને શહેર વચ્ચેના રોડ ટ્રાફિક અને રેલવે સેવા પરનો બોજો સારો એવો ઘટી જશે. નવી મુંબઈનાં લોકોને દક્ષિણ મુંબઈ તરફ જવા માટે પ્રવાસનો એક નવો વિકલ્પ મળશે.

(પ્રતીકાત્મક ફોટો)

મુંબઈના પૂર્વ ભાગના ડોક્યાર્ડ રોડ ઉપનગરના દરિયાકાંઠા (થાણે ખાડી) પર આવેલા ભાઉચા ધક્કા (ફેરી વોર્ફ, જેટ્ટી અથવા ડક્કા) ખાતે, નવી મુંબઈમાં નેરુલમાં અને અલિબાગમાં માંડવા ખાતે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (CIDCO) અને મહારાષ્ટ્ર મેરિટાઈમ બોર્ડ સાથે મળીને વોટર ટર્મિનલો તથા અન્ય માળખાકીય સુવિધાઓનું બાંધકામ કરી રહ્યાં છે. ભાઉચા ધક્કાથી નેરુલ વચ્ચેનું અંતર 11 દરિયાઈ માઈલ છે જે સ્પીડ બોટ અને કેટમરાન દ્વારા માત્ર 30-45 મિનિટમાં કવર થઈ જશે.