મુંબઈમાં પ્લાસ્ટિક પ્રતિબંધનું 23 જૂન પછી કડક રીતે પાલન કરાશે

મુંબઈ – મહાનગર મુંબઈમાં પ્લાસ્ટિકની થેલીઓ સહિતની કેટલીક ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો કડક રીતે અમલ કરવાનો મહાનગરપાલિકા વહીવટીતંત્રે નિર્ણય લીધો છે.

પાલિકા વહીવટીતંત્રે આશરે 200 જેટલા અધિકારીઓની એક ફોજ તૈયાર કરી છે જેમને પ્લાસ્ટિક પ્રતિબંધનો ભંગ કરનાર પર દંડાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

પ્લાસ્ટિકની થેલીઓ વાપરનારાઓને 23 જૂન પછી પાંચ હજારથી લઈને 25 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

મહાપાલિકાએ પ્લાસ્ટિક સંબંધિત વિવિધ વિભાગોના અધિકારીઓને દંડાત્મક કાર્યવાહી કરવાના કામે લગાડ્યા છે. આમાં પરવાના, આરોગ્ય, ઘનકચરા જેવા વિભાગોનો સમાવેશ થાય છે. નાગરિકો આ અધિકારીઓને ફરિયાદ પણ કરી શકે છે.

મહાપાલિકામાં પ્લાસ્ટિક સંબંધિત ફરિયાદ નોંધાવવા માટે આ નંબર છે – 1800 222 355.

જે ઈમારતમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક જમા થાય એ ઈમારતના લોકો ઉક્ત નંબર પર સંપર્ક કરીને પ્લાસ્ટિક લઈ જવાની વિનંતી કરી શકશે. જોકે આ માટે 23 જૂન પહેલા જ સંપર્ક કરવાનો રહેશે.

આ નિર્ણયના વિરોધમાં વેપારીઓનું સંગઠન આંદોલન કરવાની તૈયારીમાં છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ સામે એના પર્યાયનું સૂચન ન કરાયું હોવાથી વેપારીઓને આર્થિક નુકસાન જાય છે એવો એમનો દાવો છે.

પ્લાસ્ટિક પ્રતિબંધ સામે લડી લેવાનો નિર્ણય 20 જૂને લેવામાં આવશે એવું ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિએશને કહ્યું છે.

વેપારીઓનો સવાલ છે કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે તો ગ્રાહકોને સાકર, તેલ, ઘી જેવા વિવિધ પ્રકારના ખાદ્યપદાર્થો શેમાં બાંધીને આપવા? તે ઉપરાંત ચોમાસાની ઋતુમાં પ્લાસ્ટિકનો કયો પર્યાય ઉપલબ્ધ છે એવો પણ એમણે સવાલ કર્યો છે.

મહાનગરપાલિકાએ તમામ સવાલોના પર્યાય જણાવવા માટે 22 થી 24 જૂનના દિવસોએ વરલી ખાતેના એનએસઆઈ મેદાન ખાતે એક પ્રદર્શનનું આયોજન કર્યું છે. એ પ્રદર્શન મારફત પ્લાસ્ટિકના પર્યાય વિશે મુંબઈગરાંઓને માહિતી આપવામાં આવશે.