ઉકાઈ બંધની ઉપરવાસમાં આવેલા ડેમો સાવ ખાલી થવાના આરે

વડોદરા- એકતરફ હવામાન ખાતાની આગાહીઓ આવે છે કે વરસાદ હવે આવશે, પણ આવતો નથી અને દિવસો લંબાઇ રહ્યાં છે. પાણી પુરવઠો પૂરો પાડવામાં મોટો ભાગ ભજવતાં રાજ્યના મુખ્ય ડેમોના તળીયાં દેખાવાં લાગ્યાં છે. જેમાં દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધની ઉપરવાસ આવેલા ડેમો સાવ ખાલી થવાના આરે છે.

સોમવારે બપોરે 1-00 કલાક સુધીમાં ઉકાઈ ડેમની સપાટી 283.12 ફૂટ પર પહોંચી છે. બીજી તરફ ઉપરવાસમાં સારો વરસાદ થવાને પગલે નર્મદાના ડેમની સપાટી વધી છે. જો કે હવે ખેડૂતો સહિતના લોકો ગુજરાતમાં પણ વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે.

આ કારણે વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે તેમ છે. હવે ચોમાસાના દિવસો શરૂ થઇ ગયા છે, પરંતુ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ચોમાસુ જોઈએ એવું શરૂ થયું નથી, જેની સીધી અસર ઉકાઈ ડેમની પાણીની આવક પર થઇ રહી છે. જેને લઈ ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઉકાઈ ડેમની ઉપર આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં મેઘરાજાની બઘડાટી બોલી નથી. તેથી આ વિસ્તારોમાં આવેલ ડેમો સૂકાવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં આવેલ હથનુર ડેમની જળસપાટી પણ ઘટી રહી છે.