દશેરા રેલીમાં હિન્દુત્વ મુદ્દે વિરોધીઓ પર ઠાકરેના પ્રહાર

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે અહીં વિજયાદશમી-દશેરા નિમિત્તે યોજેલી પક્ષની વાર્ષિક દશેરા રેલીમાં પોતાના વક્તવ્યમાં ભારતીય જનતા પાર્ટી, મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત પર આકરાં પ્રહારો કર્યા હતા. શિવસેનાના હિન્દુત્વ સામે સવાલ ઉઠાવનારાઓની ઠાકરેએ આજે ઝાટકણી કાઢી હતી. ઠાકરેએ કહ્યું કે, અમારું હિન્દુત્વ કંઈ ઘંટડી ને વાસણ વગાડવાવાળું પૂરતું સીમિત નથી. શિવસેનાના સ્થાપક સ્વ. બાળ ઠાકરેએ કહ્યું હતું કે અમારે મન હિન્દુત્વ રાષ્ટ્રીયત્વ છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ અને ભાજપના નેતા ભગતસિંહ કોશ્યારીએ તાજેતરમાં ઠાકરેને પત્ર લખીને એમની પાર્ટીના હિન્દુત્વ વિશે સવાલ કર્યો હતો કે તમારી સરકાર હિન્દુ મંદિરોને ફરી ખોલતી નથી તો શું તમે હિન્દુત્વ છોડી દીધું? તમે સેક્યૂલર બની ગયા?

કોરોના વાઈરસ મહાબીમારી ફેલાઈ હોવાથી આરોગ્ય સુરક્ષાના કારણે આ વખતની રેલી મધ્ય મુંબઈના દાદર (વેસ્ટ)સ્થિત ઐતિહાસિક શિવાજી પાર્ક મેદાનને બદલે એની બાજુમાં આવેલા સ્વાતંત્ર્યવીર સાવરકર સભાગૃહમાં યોજવામાં આવી હતી.

રેલીને સંબોધિત કરતાં ઠાકરેએ કહ્યું કે હું મુખ્ય પ્રધાન બન્યો એના પહેલા દિવસથી અમારી સરકારને પાડવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એ લોકો ત્યારે બોલતા હતા કે આ સરકાર લાંબો સમય ચાલશે નહીં. પણ મારી સરકાર પાંચ વર્ષ પૂરા કરીને જ રહેશે. મારી એ લોકોને ચેલેન્જ છે કે જો તમારામાં હિંમત હોય તો અમારી સરકારને પાડીને બતાવો.

ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર રાજ્યને જીએસટી મામલે 38,000 કરોડ ચૂકવવાના નીકળે છે, પણ કેન્દ્ર સરકાર એ આપતી નથી અને બિહાર રાજ્યને મફતમાં કોરોના રસી આપવાની વાતો કરે છે. તો આપણે શું બાંગ્લાદેશવાળા છીએ?

ઠાકરેએ પરોક્ષ રીતે બોલીવૂડ અભિનેત્રી કંગના રણોતને પણ સંભળાવ્યું હતું. એમણે કહ્યું કે મુંબઈને પાકિસ્તાનના કબજા હેઠળનું કશ્મીર કહેવું એ વડા પ્રધાન મોદીનું જ અપમાન છે.

 

ઉલ્લેખનીય છે કંગના રણોતે તાજેતરમાં એવું નિવેદન કરીને વિવાદ જગાવ્યો હતો કે મુંબઈને પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર જેવું બનાવી દેવામાં આવ્યું છે.

ઠાકરે સાથે સાવરકર સભાગૃહમાં એમના પત્ની રશ્મી ઠાકરે, પુત્ર આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત હતા. આદિત્ય ઠાકરે રાજ્યના પર્યાવરણ અને પર્યટન ખાતાના પ્રધાન પણ છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેની આ પહેલી જ દશેરા રેલી હતી. ગયા વર્ષે યોજાયેલી દશેરા રેલી રાજ્ય વિધાનસભા ચૂંટણી પૂર્વેની હતી અને એ વખતે શિવસેના અને ભાજપ મિત્ર પક્ષો હતા અને સત્તા પર હતા. ચૂંટણી બાદ બંને પાર્ટી વચ્ચે અણબનાવ થયો હતો અને એકબીજાનો સાથ છોડી દીધો હતો. એને કારણે રાજ્યમાં સત્તા સંભાળવાના મામલે મુશ્કેલી ઊભી થઈ હતી. આખરે શિવસેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસનો સાથ લઈને સંયુક્ત (મહાવિકાસ આઘાડી) સરકાર બનાવી હતી અને સરકારનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરેને સોંપવામાં આવ્યું હતું.

સાવરકર સભાગૃહમાં પહોંચતા પૂર્વે ઉદ્ધવ, એમના પત્ની અને આદિત્યએ શિવાજી પાર્ક સ્થિત સ્વ. બાળાસાહેબ ઠાકરે સ્મૃતિસ્થળે જઈને દર્શન કર્યા હતા.

સભાગૃહમાં મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ વખતે કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી દશેરા રેલીમાં માત્ર આમંત્રિત લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનું મરાઠી ટીવી ચેનલો પર અને શિવસેના પાર્ટીના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું અને શિવસેનાના કાર્યકર્તાઓને કાર્યક્રમ લાઈવ જોવા માટે કહેવામાં આવ્યું છે.