મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) તરફથી નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ (NIFTYNXT50) પર ડેરિવેટિવ્ઝ માટે મંજૂરી મળી ગઈ છે, જેને આધારે 24 એપ્રિલ, 2024થી આ કોન્ટ્રેક્ટ લોન્ચ કરવામાં આવશે.
એક્સચેન્જ ત્રણ સિરિયલ માસિક ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈન્ડેક્સ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ સાઇકલ ઓફર કરશે. રોકડમાં સેટલ થનારા ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ એક્સપાયરી મહિનાના છેલ્લા શુક્રવારે સમાપ્ત થશે.
નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ, નિફ્ટી 50ની કંપનીઓને બાદ કરતાં નિફ્ટી 100ની 50 કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. માર્ચ 2024 સુધીમાં, ઇન્ડેક્સમાં નાણાકીય સેવા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ સૌથી વધુ 23.76 ટકા, ત્યાર બાદ 11.91 ટકા સાથે કેપિટલ ગુડ્સ સેક્ટર અને 11.57 ટકા પ્રતિનિધિત્વ સાથે કન્ઝ્યુમર સર્વિસીઝ હતું. આ ઇન્ડેક્સ 1 જાન્યુઆરી, 1997એ રજૂ કરવામાં આવ્યો હતો, જેના બેઝ ડેટ અને બેઝ વેલ્યુ અનુક્રમે 3 નવેમ્બર 1996 અને 1000 હતા.
ઇન્ડેક્સના ઘટકોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 70 ટ્રિલિયન છે, જે 29 માર્ચ, 2024 સુધી NSE પર લિસ્ટેડ શેરોના કુલ માર્કેટ કેપિટલના લગભગ 18 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. ઈન્ડેક્સના ઘટકોનું કુલ દૈનિક સરેરાશ ટર્નઓવર રૂપિયા 9560 કરોડ છે, જે 2024ના નાણાકીય વર્ષના કેશ માર્કેટ ટર્નઓવરના લગભગ 12 ટકા જેટલું છે.
તાજેતરનાં વર્ષોમાં એક્સચેન્જે જાન્યુઆરી 2022માં નિફ્ટી મિડકેપ સિલેક્ટ ઇન્ડેક્સ (MIDCPNIFTY) પર ડેરિવેટિવ્ઝ અને જાન્યુઆરી 2020માં ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇન્ડેક્સ (FINNIFTY) પર ડેરિવેટિવ્ઝ અને કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બહુવિધ પ્રોડક્ટ રજૂ કરી હતી. MIDCPNIFTY ડેરિવેટિવ્ઝે રૂપિયા 2888 કરોડના ફ્યુચર્સ ટર્નઓવર, 16.7 કરોડ ઓપ્શન કોન્ટ્રેક્ટ ટ્રેડેડ અને રૂપિયા 17,283 કરોડના ઓપ્શન પ્રીમિયમ ટર્નઓવરની ટોચની સપાટીઓ નોંધાવી છે. FINNIFTY ડેરિવેટિવ્ઝે રૂપિયા 1288 કરોડનું ફ્યુચર્સ ટર્નઓવર, 38.2 કરોડ ઓપ્શન કોન્ટ્રેક્ટ ટ્રેડેડ અને રૂપિયા 32,994 કરોડના ટર્નઓવરની ટોચની સપાટીઓ જોઈ છે. કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં, WTI ક્રૂડ ઓઈલ ફ્યુચર્સના ઓપ્શનમાં 1,02,304 કોન્ટ્રેક્ટની ટોચ જોવા મળી છે.
આ પ્રસંગે, NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને જણાવ્યું હતું કે નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ (NIFTYNXT50) પર ડેરિવેટિવ્ઝની શરૂઆત હાલના ઈન્ડેક્સ ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ માળખા માટે સારી રીતે પૂરક બનશે. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ, ટોચના લાર્જ અને લિક્વિડ સ્ટોક્સ ધરાવતા નિફ્ટી 50 ઇન્ડેક્સ અને ટોચના લાર્જ અને લિક્વિડ મિડ કેપિટલાઇઝ્ડ સ્ટોક્સ ધરાવતા નિફ્ટી મિડકેપ સિલેક્ટ ઇન્ડેક્સ વચ્ચેની જગ્યાનું પ્રતિનિધિત્વ કરશે.