મુંબઈઃ બોલીવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુએ ભારે રહસ્ય પેદા કર્યું છે. ઘટનાને પોણા બે મહિનાનો સમય વીતી ગયો છે તે છતાં મુંબઈ પોલીસ હજી એ નિર્ણય પર આવી શકી નથી કે સુશાંતનું મૃત્યુ આત્મહત્યાની ઘટના છે કે એની હત્યા કરવામાં આવી હતી.
મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહે આજે પત્રકારોને કહ્યું હતું કે ગઈ 14 જૂને બાન્દ્રા (વેસ્ટ)માં સુશાંત એના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા બાદ એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) નોંધાવ્યા બાદ પોલીસે આ કેસમાં તપાસ આદરી હતી.
આ તપાસમાં મદદરૂપ થવા માટે મુંબઈ પોલીસે ફોરેન્સિક વિભાગના નિષ્ણાતો અને ડોક્ટરોની એક ટૂકડીની મદદ માગી છે. જોકે પોલીસ હજી અંતિમ નિર્ણય પર આવી શકી નથી.
પરમબીર સિંહે કહ્યું કે મુંબઈ પોલીસ કુદરતી મૃત્યુ તેમજ શંકાસ્પદ મૃત્યુ, એમ બંને દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે.
મુંબઈ પોલીસે સુશાંતના પરિવારજનોનાં નિવેદનો નોંધ્યા છે. સુશાંતના મૃત્યુમાં કોઈ ત્રીજી વ્યક્તિની સંડોવણી હોવાની એમણે કોઈ શંકા વ્યક્ત કરી નથી.
આ કેસમાં બિહારની પોલીસે પણ શરૂ કરેલી તપાસના સંદર્ભમાં કમિશનર સિંહે કહ્યું કે બિહાર પોલીસની કાયદેસરતાનો મુંબઈ પોલીસ અભ્યાસ કરી રહી છે અને આ સંદર્ભમાં કાનૂની સલાહ પણ મેળવી રહી છે. બિહાર પોલીસે પટનામાં એફઆઈઆર રજિસ્ટર કરાવ્યા બાદ આ કેસ મુંબઈ પોલીસને ટ્રાન્સફર કરી દેવો જોઈએ. મુંબઈ પોલીસ સાચી દિશામાં જઈ રહી છે.
પોલીસ સુશાંતના નાણાકીય સોદાઓનો પણ અભ્યાસ કરી રહી છે. સુશાંતના એકાઉન્ટમાં 18 કરોડ રૂપિયા હતા. પોલીસ સોદાઓની વિગતો મેળવી રહી છે. પોલીસે આ કેસના સંબંધમાં અત્યાર સુધીમાં 56 જણના નિવેદનો નોંધ્યા છે.
પોલીસે 13 જૂન અને 14 જૂન, એમ બંને દિવસના સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધા છે. સુશાંતના ઘરમાં એના મૃત્યુ પૂર્વેની સાંજે કોઈ પાર્ટી થઈ હોવાનો પોલીસને કોઈ પુરાવો મળ્યો નથી. સુશાંત ગૂગલ પર માનસિક બીમારીઓ અને પીડારહિત મૃત્યુ વિશે સર્ચ કરતો હોવાનું માલૂમ પડ્યું છે. એનું મૃત્યુ થયું એના અમુક કલાકો પહેલાં એણે ગૂગલ પર પોતાના નામને સર્ચ કર્યું હતું.