માતૃભાષાનું સ્થાન કોઈ ન લઈ શકે, જાગશો તો જ્ઞાનની સવાર પડશે!

માતૃભાષા એટલે…
*
જે ભાષાના શબ્દો જન્મતાવેંત કર્ણપટલ પર પડે તે
*
જેના શબ્દોથી માનવમાં વાત્સલ્ય અનુભવાય તે
*
જેના શબ્દો આપત્તિ વખતે સહજતાથી ઉચ્ચારાઈ જાય તે
*
જેના શબ્દોથી પોતીકાપણું અનુભવાય તે
*
જેના શબ્દોમાં વ્યક્ત થયેલ પ્રેમથી રોમરોમ પુલકિત થવાય તે
*
જેનો સાહિત્ય સ્પર્શ હૃદયને આર્દ્ર અને સુસંસ્કૃત બનાવે તે
*
જેનાથી સર્વાંગીણ વિકાસ થાય તે
*
જેનું વિસ્મરણ કરવા ચાહો તો પણ જે વિસ્મૃત થાય તે

આ સર્વ લાક્ષણિકતાઓ જે કોઈ ભાષા ધરાવતી હોય તે કેવળ માતૃભાષા જ હોઈ શકે.

શિક્ષણ એટલે અંતર્ગત સુષુપ્ત ગુણોને પ્રગટ કરે તે. શિક્ષણ પ્રાપ્તિના માધ્યમ અનેક હોય પણ મુખ્ય છે ઘર અને શાળા. જન્મીને તરત મળે છે ઘર. ઘરમાં બોલચાલની જે ભાષા હોય તે બાળક શીઘ્ર ગ્રહણ કરે. તે ભાષામાં થતો બધો સારો નરસો વ્યવહાર બાળકને ઘડે. તેથી પાપા પગલી માંડતાં જ તેનું શિક્ષણ શરૂ થઈ જાય. પછી શાળાએ જતાં ચાર પાંચ કલાક જે ભાષાનું પ્રત્યાયન (communication) એના કર્ણપટલ પર સતત થતું રહે તે ભાષા તેને પોતીકી લાગવા માંડે. સાથે સાથે તે ભાષા દ્વારા તેના જાગૃત અને અજાગૃત મન પર પરિણામ થવા લાગે; તેથી ઘર અને શાળા બંને સ્થળોએ જો એક જ ભાષા વપરાતી હોય તો તેને ગ્રહણ કરવામાં બાળક સરળતા, સુગમતા અનુભવે. તેથી તે ભાષામાં થતો બધો વ્યવહાર બાળક શીઘ્રાતિશીઘ્ર ગ્રહણ કરવા લાગે. પણ બંને સ્થળોએ થતા અલગ અલગ ભાષા વ્યવહારને કારણે તેના મન બુદ્ધિને ગ્રહણ કરવામાં શ્રમ પડવા લાગે. સર્જનહારે માનવીને આપેલી ભેટ એવી બુદ્ધિના અનેક કાર્યો છે. તેમાં સ્મૃતિ શક્તિનું પણ સ્થાન છે. તેથી માતૃભાષામાં મળતું શિક્ષણ સહજગ્રાહી હોવાથી વધુ પરિણામગામી બને એ નિ:શંક વાત છે.

જન્મના અઢી વરસ બાદ

જન્મ બાદ અઢી વર્ષ સુધીમાં ઘર પરિવારની ભાષા તે સ્વીકારીને અને તેના કેટલાક શબ્દો શીખીને સમજવા લાગે એ જ વયમાં અન્ય ભાષા કાનપર પડતાં તેની વાણીમાં મૂંઝવણ અને બુદ્ધિમાં અવઢવ ઉત્પન્ન થવા લાગે; તેથી સંતાનના સર્વાંગી વિકાસ માટે મન વચન અને બુદ્ધિમાં સંશુદ્ધિ અને એકવાક્યતા હોવાં અનિવાર્ય છે. માતૃભાષા જ એ લાવવામાં સહાયક બની શકે. સહજ પ્રાપ્ય પુસ્તકો દ્વારા તે પોતાને ઉત્તમ, ચરિત્રવાન, વિવેકી, નમ્ર, સુસંસ્કૃત નાગરિક બનાવી શકે.
મૂળભૂત વિચારણીય પ્રશ્ન એ છે કે અત્યારે જ્યારે પાણી બચાવવા માટે કોશિશ, વિચારણા, ચિંતા થઈ રહ્યા છે ત્યારે હવાડામાં જ્યાંથી પાણી આવવાનું છે તે કૂવામાં પહેલાં પાણી છે ખરું? કૂવાને સભર થઈ હવાળા સુધી પાણી પહોંચાડવાની તત્પરતા છે ખરી? :જાગ્યા ત્યાંથી સવાર’ ભલે કહેવત હોય ;પણ હવે તો સંધ્યા થવા આવી છતાં અંધારું થયું નથી એટલે હજી ખૂણે ખાંચરે થતા વિવિધ પ્રામાણિક પ્રયત્નો બહુ સંખ્યક વસ્તીવાળા માતૃભાષી વિસ્તારમાં વેકેશન દરમિયાન યોજાતી હજારો શિબિરો ઉપરાંત વિવિધ ભાષા સંસ્થાઓના પ્રયાસો દ્વારા આજની ગૃહસ્થાશ્રમની પેઢી સુધી તો કદાચ માતૃભાષા ટકી જશે પણ પછીની પેઢી માટે વિચાર કરવામાં વિલંબ  થયેલો ભાસે છે છતાં આશા અમર છે.

જવાબદાર કોણકોણ

માતૃભાષાની પકડ ઢીલી કરવામાટે જવાબદાર માધ્યમો – શાળા, સંચાલક, વાલી,સરકાર, પ્રસાર માધ્યમો માની શકાય. માતૃભાષામાં શિક્ષણના અભાવે બાળકોએ પોતાની ભાષામાં સાહિત્ય વૈભવ અને સંસ્કૃતિ સમૃદ્ધિથી વંચિત રહેવું પડે છે. જીવનમાં આદર્શો, નૈતિક મૂલ્યોની વાવણી ન થવાથી લણણી સમયે પસ્તાવા સિવાય કંઈ હાથમાં આવતું નથી. શાળાકાળ દરમિયાન શીખવવામાં આવતા માતૃભાષાના ઉત્તમ ગદ્યપદ્યથી પ્રાપ્ત થતાં માતૃપ્રેમ, રાષ્ટ્રપ્રેમ પારિવારિક ભાવના, જીવ દયા, શૌર્ય, જીવનનું લક્ષ્ય વગેરે સંસ્કારલક્ષી જ્ઞાનનો છેદ ઊડી જતાં અન્ય અનેક પ્રશ્નો ઊભા થઈ જાય છે. વૃદ્ધાશ્રમોની ભરમાર, સ્વાતંત્ર્યને નામે થતાં આંદોલનો, અપાત્રો દ્વારા થતો વિરોધ, બંડ, વિભક્ત પરિવાર, અભક્ષ્ય આહાર, જીવનના પરમધ્યેયના સ્થાન પર સત્તા ને સંપત્તિ વગેરે અડ્ડો જમાવી શક્યા છે.

ભાષાની તાકાત

સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા ચાલતી મૂષક દોડમાં સંતાનથી માંડી વાલી, શિક્ષણ ક્ષેત્ર, મનોરંજન ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર સૌએ સક્રિય ભાગ લેવામાં કશી કસર છોડી નથી. તેથી તેનો ભોગ ભાવિ પેઢીએ બનવું પડે છે. શિક્ષણ શાસ્ત્રીઓએ, ભાષા વિજ્ઞાનીઓએ શિક્ષણનું માધ્યમ માતૃભાષાને જ ગણ્યું છે. જે ભૂમિમાં કુળમાં, જાતિમાં વ્યક્તિ જન્મી હોય તે તેની માની જ ભાષા પામે. તે જ સંસ્કૃતિનો, સંસ્કારનો સમાજનો અધિકૃત વારસદાર બને. જેમ અસંગ શસ્ત્રથી સંસાર રૂપી અશ્વત્થને છેદવાનું સૂચન શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કરે છે તેમ માતૃભાષા રૂપી ખડ્ગથી આપણી અંધશ્રદ્ધા વહેમ, ભ્રાંતિ વગેરેનું ખંડન થઈ શકે છે. ભાષામાં એવી તાકાત છે કે જે કાતર જેવી જીભથી કપાયેલ સંબંધોને પણ જોડી શકે છે.

સિધ્ધહસ્ત લોકોનું શિક્ષણ માતૃભાષામાં

* જર્મન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને પોતાનું બધું સંશોધન જર્મનમાં જ કર્યું છે એટલે જ એ કહી શક્યા કે અન્યને કાજે જીવાયેલી જિંદગી જ સમુચિત છે.
* વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર વિજેતા શ્રી રામને માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
* ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિખ્યાત અણુવિજ્ઞાની સ્વર્ગવાસી અબ્દુલ કલામ આઝાદ અંતિમ શ્વાસ સુધી માતૃભાષામાં શિક્ષણના આગ્રહી રહ્યા. *અવકાશયાત્રી મહિલા કલ્પના ચાવલા પણ માતૃભાષા ચાહક હતી. *ભારતીય બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરનું શિક્ષણ માતૃભાષામાં જ થયું હતું.
* ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના પ્રમુખ અને એમ.આઈ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રો ફિઝિક્સના માનદ ડિરેક્ટર ડો. જે જે રાવળ વર્તમાનકાળનું ઉમદા ઉદાહરણ સિદ્ધ થાય છે. તેમનું માતૃભાષામાં લીધેલું શિક્ષણ તેમણે લખેલા 2000 વ્યાખ્યાનોમાં, લેખોમાં, રેડિયો અને દૂરદર્શન પર આપેલા વાર્તાલાપોમાં અને સંશોધન પત્રોની દેશ-વિદેશમાં થયેલી રજૂઆતમાં ક્યાંય અવરોધ રૂપ બન્યું નથી. તેઓ કહેતા : “મારા મસ્તકમાં જે પણ વિશાળતા અને પ્રભુતા આવી છે તે સંસ્કૃતના અને ભારતીય સંસ્કૃતિના અભ્યાસને આભારી છે.

માતૃભાષાનો ખોળો

વ્યક્તિ વયમાં કે વિખ્યાતિમાં ગમે તેટલો મોટો થાય પણ માતૃભાષા, માતૃભૂમિ અને જન્મદાત્રી માતાનું સન્માન ઘવાતું જોતો રહે તો તે કાયર જ કહેવાય‌. પહેલી મા -માતૃભાષાનો ખોળો છૂટ્યો કે બીજી માં માતૃભૂમિથી હજારો માઈલ દૂર જઈ વસવાટ કરવા મન લલચાવાની શક્યતા વધી જાય છે. જે મા એ ઘરમાં માતૃભાષાને સ્થાને અન્ય ભાષામાં શિક્ષણનો આગ્રહ રાખ્યો તેને પરિણામે મોબાઈલ, whatsapp, facebook, instagram વગેરેને અંગત કુટુંબીજનો બનાવીને ફાઝલ સમયમાં માતૃભાષા શીખવવાનો યત્કિંચિત્ આશ્વાસક પ્રયત્ન કર્યો હોય તો તે સાર્થક છે. તે અવશ્ય સફળ બની શકે.

સંસ્કાર ધામ સંસારધામ બની ગયા
શિક્ષણ પ્રાપ્તિના માધ્યમ એવા સરસ્વતી મંદિર હવે આજીવિકા પ્રાપ્તિના કેન્દ્રો બની ગયા છે; તેથી જે જીવન મૂલ્યો સહજતાથી મળતાં ,તે ન મળતાં કંચન મૂલ્યવાદી સંસ્થા હવે સંસ્કારધામ ન રહેતાં સંસારધામ બનવા લાગી. દુનિયાના 180 દેશોમાંથી માત્ર 12 કે 13 દેશ સિવાય દરેક દેશ પોતાનો વ્યવહાર માતૃભાષામાં જ કરે છે. ત્યાંના દેશવાસીઓને તેનું ગૌરવ છે. ફ્રાન્સ, જર્મની, ઇઝરાયેલ, ભૂતાન વગેરે દેશોના નાગરિકો માતૃભાષા માટે અનહદ આદર ધરાવે છે.
કોઈપણ ભાષાના ચશ્મા પહેરીને ફરતાં સંતાનને માતૃભાષામાં આવતા કોયડાઓ, રમતો, વાર્તાઓ, કાવ્ય પંક્તિઓ, શ્લોકો દ્વારા પૂરક સામગ્રી પહોંચાડાય તો હજી પણ પ્રકાશિત સામગ્રી તેમના સુધી પહોંચે,તેઓ વાંચે, વિચારે, સમજે અને આચરી શકે તો હજી પણ મોડું થયું નથી -એવી આશા અચૂક રાખી શકાય.

(નિરંજના જોશી)

(લેખિકા કવયિત્રી છે)