નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં મંત્રીઓના વિભાગોની વહેંચણીને હજુ પણ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ રહી. મહા વિકાસ અઘાડીની મોડી રાત સુધી ચાલેલી બેઠક પછી પણ મંત્રીઓના વિભાર પર સહમતિ બની શકી નથી. ગુરુવારની બેઠક પછી કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કહ્યું કે, કોંગ્રેસમાં હવે કોઈપણ પ્રકારનો મતભેદ નથી અને તેમના તરફથી નામોનું લિસ્ટ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપી દેવામાં આવ્યું છે. હવે અંતિમ નિર્ણય મુખ્યમંત્રી લેશે.
રાજ્યના ઉપમુખ્યમંત્રી અજીત પવારે પણ કહ્યું કે, 95 ટકા વિભાગોને લઈને સહમતિ બની ગઈ છે અને બાકીના 5 ટકા પર સીએમ ઉદ્ધવ જે પણ નિર્ણય લેશે તે બધાને માન્ય છે. આ અગાઉ ગઈકાલે શિવસેના નેતા સંજય રાઉતે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે પણ મુલાકાત કરી હતી. કોંગ્રેસ સાથે જોડાયેલા સુત્રોનું કહેવું છે કે, પાર્ટીના નેતાઓને લઈને મંત્રાલયની વહેંચણી થઈ ગઈ છે જેમાં બાલાસાહેબ થોરાટને રાજસ્વ મંત્રાલય, અશોક ચવ્હાણને પીડબ્લ્યૂડી, યશોમતી ઠાકુરને મહિલા અને બાળ વિકાસ, વર્ષા ગાયકવાડને તબીબી શિક્ષણ, સુનીલ કેદારને ઓબીસી, અસલમ શેખને કાપડ ઉદ્યોગ, અમિત દેશમુખને શિક્ષણ અને કેસી પડવીને આદિવાસી મંત્રાલય ફાળવવામાં આવ્યું છે.
તો મંત્રાલયની વહેંચણીમાં થઈ રહેલા વિલંબ પર એનસીપી નેતા શરદ પવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સત્તારુઢ ગઠબંધનમાં મંત્રાલયની વહેંચણીને લઈને કોઈ નારાજ નથી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શુક્રવાર સુધીમાં મંત્રીઓને મંત્રાલયની ફાળવણી કરી દેશે. તો બીજી તરફ ગુરુવારે સવારે જ શિવસેનાએ માન્યું હતું કે, ગઠબંધનના વરિષ્ઠ નેતાઓમાં મુખ્ય મંત્રાલયોને લઈને ખેંચતાણ ચાલી રહી છે.
તો મંત્રાલયોની ફાળવણીમાં થઈ રહેલા વિલંબને કારણે વિપક્ષને પણ સરકાર પર નિશાન સાધવાની તક મળી ગઈ છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, આ ગઠબંધનની નિષ્ફળતા દર્શાવે છે. મહત્વનું છે કે, ગઠબંધનમાં શિવસેના, રાકાંપા, કોંગ્રેસ અને અન્ય નાની સહયોગી પાર્ટીઓ સામેલ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને છ મંત્રીઓએ ગત 28 નવેમ્બરે શપથ લીધા હતાં.