મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લોકડાઉનને ફરીથી લાગુ કરવામાં આવશે એવી અમુક દિવસોથી ચાલી રહેલી અટકળો અંગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવા વિશે એમની સરકારે હજી કોઈ નિર્ણય લીધો નથી.
ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે કોરોના વાઈરસનો ફેલાવો અંકુશમાં રહે એ માટે વાઈરસ-સંબંધિત નિયંત્રણોનું સહુ કડક રીતે પાલન કરે.
રાજ્ય સરકાર આવતા અઠવાડિયાથી ફરીથી લોકડાઉન લાગુ કરવાનો વિચાર કરી રહી છે એવા સંદેશાઓ સોશિયલ મિડિયા પર ફરી રહ્યા છે તેથી લોકોમાં મૂંઝવણ અને ગભરાટ ફેલાયા છે.
લોકોની આ ચિંતાના પ્રતિસાદમાં ઠાકરેના કાર્યાલય તરફથી આજે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે લોકડાઉન ફરીથી લાગુ કરવાનો રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
નિવેદનમાં જણાવાયું છે કે, ‘સોશિયલ મિડિયા મારફત અફવા ફેલાવવામાં આવી રહી છે અને મહારાષ્ટ્રમાં તમામ દુકાનો અને કમર્શિયલ ઓફિસોને બંધ કરીને લોકડાઉન ફરીથી લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે એવા કેટલીક ન્યૂઝ ચેનલોએ અહેવાલો આપતાં લોકોમાં મૂંઝવણ ઊભી થઈ છે. પરંતુ, અમે એવો કોઈ નિર્ણય લીધો નથી.’
સરકારે એમ પણ કહ્યું છે કે આવા કોઈ પણ અહેવાલો લોકોમાં મૂંઝવણ પેદા કરે છે. આ પ્રકારના સમાચાર ફેલાવવા એ કાયદાના ઉલ્લંઘન સમાન છે. આવા સમાચારને ચકાસણી કર્યા વિના ટ્રાન્સમિટ કરવા ન જોઈએ.
ઠાકરેએ એમ પણ કહ્યું છે કે રાજ્ય સરકારે લોકડાઉનમાં જે છૂટછાટો આપી છે એનો લોકોએ ગેરલાભ ઉઠાવવો ન જોઈએ. લોકડાઉનના નિયમોમાં જે રાહતો આપવામાં આવી છે એનો અર્થ એ નથી કે લોકો ઘરની બહાર નીકળે અને જાહેર સ્થળોએ ગીરદી કરે જેને લીધે આરોગ્ય ઉપર જોખમ ઊભું થાય. સોશિયલ ડિસ્ટન્સ રાખીને, મોઢા પર માસ્ક પહેરીને અને નિયમિત રીતે હાથ ધોતા રહેવાના નિયમોને જીવનશૈલીના ભાગ તરીકે હવે અપનાવવા જ પડશે.