મુંબઈઃ અહીંની સેશન્સ કોર્ટે પણ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન પર છોડવાનો આજે ઈનકાર કરી દીધો. જજે કહ્યું કે પોતે ત્રણ જામીન અરજીઓ પર 20 ઓક્ટોબરે નિર્ણય લેશે.
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો એજન્સીના અમલદારોએ ગઈ 3 ઓક્ટોબરે મુંબઈ સમુદ્રકાંઠા નજીક એક લક્ઝરી જહાજ પરની પાર્ટીમાં દરોડો પાડ્યો હતો. ત્યારે ત્યાં આર્યન ખાન પણ મોજૂદ હતો અને એની પાસેથી પ્રતિબંધિત કેફી દ્રવ્ય કથિતપણે મળી આવતાં એની ધરપકડ કરી હતી. 7 ઓક્ટોબરે કોર્ટે આર્યનની જામીન અરજી નકારી કાઢી હતી અને એને 14-દિવસ માટે અદાલતી કસ્ટડીમાં મૂક્યો હતો. ત્યારથી એને આર્થર રોડ જેલમાં પૂરવામાં આવ્યો છે.
એનસીબીએ એમ કહીને જામીન અરજીનો વિરોધ કર્યો હતો કે આર્યને ડ્રગ્સના દાણચોરોનો સંપર્ક કર્યો હતો અને ડ્રગ્સ લીધી હતી. ડ્રગ્સને ગેરકાયદેસર રીતે મેળવવા માટેના એક આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કનો આર્યન હિસ્સો હોય એવું લાગે છે. જો એને જામીન પર છોડવામાં આવશે તો એ પુરાવાનો નાશ કરશે અને સાક્ષીદારોને ધમકાવશે.