મુંબઈમાં મેઘપ્રકોપઃ વડોદરા એક્સપ્રેસના સેંકડો પ્રવાસીઓને ઉગારી લેવાયા

મુંબઈ – શહેર અને પડોશના પાલઘર, થાણે જિલ્લામાં ચાર દિવસથી સતત પડેલા અને આજે સવારે પણ ચાલુ રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો સરોવરોમાં ફેરવાઈ ગયા હતા.

પાલઘર જિલ્લાના નાલાસોપારા ઉપનગરમાં સૌથી વધારે ખરાબ હાલત જોવા મળી હતી. ત્યાં રસ્તાઓ અને વિસ્તારોમાં તો પાણી ભરાયા હતા, પણ સ્ટેશનના પાટા પર પાણી ખૂબ ભરાતાં વસઈ-બોરીવલી તરફની ટ્રેન સેવા અટકાવી દેવી પડી હતી. વસઈ અને વિરાર સ્ટેશનો વચ્ચે ટ્રેન સેવા થંભી ગઈ હતી.

નાલાસોપારા અને વિરાર વચ્ચે વડોદરા એક્સપ્રેસ ટ્રેન પણ ફસાઈ ગઈ હતી. એના 1500 પ્રવાસીઓને ઉગારવા માટે નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) તથા રેલવે પ્રોટેક્શન ફોર્સ જવાનોની મદદ લેવી પડી હતી. એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન કરીને ટ્રેનમાં ફસાઈ ગયેલા 1500 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા અને એમને રબરની હોડીઓમાં બેસાડીને સ્ટેશન સુધી પહોંચાડ્યા હતા.

નાલાસોપારામાં રેલવેના પાટા વરસાદના પાણી હેઠળ ડૂબી જતાં અનેક ટ્રેનોને અટકાવી દેવામાં આવી. ગુજરાત કે દિલ્હી તરફથી મુંબઈ આવતી તમામ ટ્રેનોને વિરાર, પાલઘર ખાતે રોકી દેવી પડી હતી.

વડોદરા એક્સપ્રેસ નાલાસોપારા અને વિરાર સ્ટેશનો વચ્ચે અટવાઈ જતાં એમાંના સેંકડો પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. એમને બચાવવા માટે રેલવે તંત્રે કોસ્ટ ગાર્ડ તથા એનડીઆરએફની મદદ લીધી હતી. પ્રવાસીઓ અનેક કલાકો સુધી પાણીમાં ફસાયેલા રહ્યા હતા. પ્રવાસીઓને માટે રેલવે તંત્રે નાશ્તાના પેકેટ મોકલાવ્યા હતા અને ત્યારબાદ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને એમને ઉગાર્યા હતા.

httpss://twitter.com/WesternRly/status/1016680909259472896

વડોદરા એક્સપ્રેસમાંથી ઉગારી લેવામાં આવેલા પ્રવાસીઓને મુંબઈ પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

એક મહિલા યાત્રીએ કહ્યું કે અમે વહેલી સવારથી ફસાઈ ગયા હતા, અને એનડીઆરએફની ટીમ છેક બપોરે આવી હતી અને ત્યારે ટ્રેનમાંથી અમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

રેલવે પ્રશાસનના જણાવ્યા મુજબ, એક ડઝનથી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી છે જ્યારે અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલીક ટ્રેનોનું અંતર ઘટાડી દેવામાં આવ્યું છે.

મુંબઈથી અન્ય રાજ્યોમાં જતી 6 ટ્રેનના માર્ગમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

વસઈ-વિરાર સેક્ટરમાં પશ્ચિમ રેલવેએ તેની સેવા રદ કરી હતી. સ્ટેશનો પર ફસાઈ ગયેલા હજારો યાત્રીઓ માટે ફૂડ પેકેટ્સ તથા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

2000થી વધુ ફૂડ પેકેટ્સ સાથેની એક ફૂડ સ્પેશિયલ ટ્રેનને મુંબઈ સેન્ટ્રલથી નાયગાંવ મોકલવામાં આવી હતી. એ ફૂડ પેકેટ્સ નાલાસોપારા-વિરાર વચ્ચે અટવાઈ ગયેલી વડોદરા એક્સપ્રેસ ટ્રેનના પ્રવાસીઓ સહિત અન્ય પ્રવાસીઓને આપવામાં આવ્યા હતા. આ ફૂડ પેકેટ્સ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના બેઝ કીચનમાં તૈયાર કરવામાં આવ્યા હતા.

11 જુલાઈની ટ્રેન નંબર વડોદરા-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસને રદ કરવામાં આવી છે.

httpss://twitter.com/DisasterMgmtBMC/status/1016693014289440775