મુંબઈઃ શિવસેના અને કોંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં સફળતા મળ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ હવે મુંબઈ મહાનગરપાલિકા (બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન – બીએમસી)ની ચૂંટણી જીતવા માટે અત્યારથી જ કમર કસવાનું શરૂ કર્યું છે.
મુંબઈ મહાપાલિકાની ચૂંટણી 2022માં આવશે. એ માટે એનસીપીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે.
એનસીપીના નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે કહ્યું છે કે મુંબઈમાં રાષ્ટ્રવાદીના 60 નગરસેવકોને જીતાડવાનું અમારું લક્ષ્ય છે. બીએમસીમાં શિવસેના હાલ નંબર-1 પાર્ટી છે. એ અમારી સહયોગી પાર્ટી છે એટલે 2022ની ચૂંટણીમાં પણ એ જીતવી જોઈએ અને અમે બીજા નંબરે આવવાનો પૂરો પ્રયત્ન કરીશું.
હાલ મુંબઈ મહાનગરપાલિકામાં રાષ્ટ્રવાદીના 8 સભ્યો છે. હવે એ આંકડો 50-60 પર પહોંચાડવાનો અજીત પવારે નિશ્ચય કર્યો છે.
બીએમસીની 2022ની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી શરૂ કરવા માટે પક્ષના કાર્યકર્તાઓના એક કાર્યક્રમ (કાર્યકર્તા માર્ગદર્શન શિબિર)માં બોલતાં પવારે એમ પણ કહ્યું કે મુંબઈ મહાનગરપાલિકાની હવે પછીની ચૂંટણી પણ ત્રણેય સાથી પક્ષ એમના ‘મહાવિકાસ આઘાડી’ ગઠબંધન તરીકે જ લડશે.
અત્યાર સુધી મહારાષ્ટ્રના ગ્રામીણ ભાગોમાં પોતાની શક્તિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ મુંબઈ શહેરમાં પોતાનો વિસ્તાર કરવાનું ક્યારેય વિચાર્યું નહોતું. હવે આ પહેલી જ વાર અજીત પવારે આ મિશન નક્કી કર્યું છે.
એનસીપીની સ્થાપના થઈ તે અત્યાર સુધીમાં મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં તેના વધુમાં વધુ 14 નગરસેવકો જ જીતી શક્યા છે. 2017ની ચૂંટણીમાં તેના આઠ કોર્પોરેટર જીત્યા હતા.
2017ની મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં શિવસેનાએ 84 અને તેના ભાગીદાર ભારતીય જનતા પાર્ટીએ 82 સીટ પર જીત મેળવી હતી.
હવે ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધો બગડી ગયા છે એટલે 2022ની ચૂંટણીમાં ભાજપે એકલે હાથે ચૂંટણી લડવી પડશે.