મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારીઓએ કેફી દ્રવ્યો સંબંધિત એક કેસમાં બોલીવુડના સદ્દગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની સાથે એના ફ્લેટમાં રહેનાર સિદ્ધાર્થ પિઠાનીની આજે એક ધરપકડ કરી છે. પિઠાનીને હૈદરાબાદમાંથી પકડવામાં આવ્યો છે.
બોલીવુડની હસ્તીઓ અને ડ્રગ્સ માફિયાઓ વચ્ચેની સાંઠગાંઠમાં તપાસ કરતી કેન્દ્રીય એજન્સી એનસીબીએ સુશાંતસિંહના ભેદી મોત સાથે સંબંધિત ડ્રગ્સ સેવન કેસમાં 12,000 પાનાંની ચાર્જશીટ સ્પેશિયલ કોર્ટમાં નોંધાવી છે. એમાં તેણે અભિનેત્રી રીયા ચક્રવર્તી, એનાં ભાઈ શોવિક સહિત 33 જણના નામ આપ્યા છે. સુશાંતસિંહ 2020ની 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)સ્થિત એના ઘરમાં લટકતી હાલતમાં મૃત મળી આવ્યો હતો. સિદ્ધાર્થ પિઠાની સ્વ. સુશાંતનો મિત્ર હતો અને હાઉસ મેનેજર તરીકેનું કામ પણ સંભાળતો હતો. સુશાંતસિંહને ફ્લેટમાં લટકતી મૃત હાલતમાં જોયાનો પહેલો સાક્ષી સિદ્ધાર્થ હતો. એણે પોલીસને કહ્યું હતું કે 14 જૂનની સવારે સુશાંતસિંહ લટકતી હાલતમાં મળી આવ્યો એ પહેલાં પાછલી રાતે 1 વાગ્યે તે સુશાંતને મળ્યો હતો.