કેરી પકાવવા માટે રસાયણોના ઉપયોગ સામે રાજ ઠાકરેની પાર્ટીનો વિરોધ

મુંબઈઃ રાજ ઠાકરેના વડપણ હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીએ માગણી કરી છે કે કેરી ફળને કૃત્રિમ રીતે પકાવવા માટે રસાયણોનો ઉપયોગ કરતા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) પગલું ભરે. ‘મનસે’ પાર્ટીનો આરોપ છે કે કેરીનું વધારે વેચાણ કરી નફો કમાવવા માટે અસંખ્ય વેપારીઓ ગેરકાયદેસર રીતમાં સંડોવાયેલા છે.

હાલ ઉનાળાની મોસમમાં નવી મુંબઈસ્થિત એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી (એપીએમસી)ની ફળ બજારમાં દરરોજ કેરીના 75,000 બોક્સ આવે છે અને તે બધી કાચી કેરી હોય છે. સામાન્ય રીતે, કાચી કેરીને કુદરતી રીતે પાકતા એકાદ અઠવાડિયું લાગે છે, પરંતુ વેપારીઓ લિક્વિડ ઈથેફોન જેવા રસાયણોનો ઉપયોગ કરીને આંબા ફળોને કૃત્રિમ રીતે, સામાન્ય કરતાં ઝડપથી અને ગેરકાયદેસર રીતે પકાવે છે. ઈથેફોનનો ઉપયોગ માનવશરીર માટે હાનિકારક હોય છે.