MVAમાં NCP રહેશે કે નહીં એ સમય કહેશેઃ શરદ પવાર

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમાટો આવ્યો છે. પહેલાં અજિત પવાર ભાજપ સાથે જવાની અટકળો ચાલી હતી. હવે NCP પ્રમુખ શરદ પવારના એક નિવેદને રાજકારણનું તાપમાન વધારી દીધું છે. મિડિયાથી વાત કરતા પવારે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીના ભવિષ્ય પર ભાર દઈને કહ્યું હતું કે આગામી સમયમાં શું થશે, એ અત્યારથી કશું કહી નહીં શકાય. મહા વિકાસ આઘાડીમાં NCP રહેશે કે નહીં એ તો સમય કહેશે.

પવારે શું કહ્યું?શરદ પવારને અમરાવતીમાં પત્રકાર પરિષદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું NCP 2024માં મહા વિકાસ આઘાડીની સાથે જ ચૂંટણી લડશે? એ સવાલ પર તેમણે કહ્યું હતું કે આજે મહારાષ્ટ્રમાં આઘાડી છે, પણ આગળ કશું કંહી ના શકાય. આજે અમે MVAનો હિસ્સો છીએ. આગળ કામ કરવાની ઇચ્છા પણ રાખીએ છે, પણ ઇચ્છાથી શું થાય છે?  સીટોની વહેંચણીને લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવાની હોય છે. જોકે હજી સુધી સીટોની વહેંચણીને હજી કોઈ ચર્ચા નથી થઈ.

આ પહેલાં સંજય રાઉતે એક નિવેદનમાં કહ્યું હતું કે શિંદે સરકાર આવતા 15-20 દિવસોમાં પડી જશે અને એનું ડેથ વોરન્ટ નીકળી ચૂક્યું છે. આવનારા દિવસોમાં શિંદે જૂથના 16 વિધાનસભ્યોને અયોગ્ય છેરવતી અરજી પર સુનાવણી થવાની છે. જો આ ચુકાદો તેમની તરફેણમાં આવશે તો એ સ્થિતિમાં રાજ્યમાં મોટો ઊલટફેર થઈ શકે છે.