ડોક્ટરો, નર્સોને કોરોના લાગુ પડતાં મુંબઈની વોકાર્ટ હોસ્પિટલ સીલ; ચેપગ્રસ્ત ઝોન ઘોષિત

મુંબઈઃ દક્ષિણ મુંબઈના મુંબઈ સેન્ટ્રલ ઉપનગરમાં આવેલી જાણીતી વોકાર્ટ હોસ્પિટલનાં 3 ડોક્ટર અને 23 નર્સને કથિતપણે કોરોના વાઈરસ લાગુ પડતાં હોસ્પિટલને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે અને તેને ચેપગ્રસ્ત ઘોષિત કરી દેવામાં આવ્યો છે.

આ હોસ્પિટલમાં ઈમરજન્સી સેવાઓ સહિત તમામ પ્રકારની તબીબી સુવિધાઓ હાલ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. કોઈને પણ અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી કે અંદરથી કોઈને બહાર નીકળવા દેવામાં આવતા નથી. જ્યાં સુધી અંદર રહેલી વ્યક્તિઓના કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી આ પ્રતિબંધો ચાલુ રહેશે.

કહેવાય છે કે એક 70-વર્ષીય કોરોના દર્દીનો ચેપ હોસ્પિટલના સ્ટાફને લાગ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે દર્દીઓ ધરાવતા શહેરોમાં મુંબઈમાં નંબર-1 છે. અહીં 458 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

વોકાર્ટ હોસ્પિટલના 3 ડોક્ટર અને 23 નર્સ સહિત કુલ 26 જણના નમૂના કોરોના વાઈરસ માટે પોઝિટીવ આવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં હાજર તમામ 270 જણના પણ swab લેવામાં આવ્યા હતા.

હવે વોકાર્ટ હોસ્પિટલના 50 જણના અન્ય કર્મચારીઓમાં પણ કોરોના હોવાનું માલૂમ પડ્યું હોવાનું કહેવાય છે. એમનો રિપોર્ટ આવવાનો બાકી છે.

મિડ-ડે અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, કર્મચારીઓએ એવી વિનંતી કરી છે કે એમનાં નમૂનાનું ફરીથી પરીક્ષણ કરવામાં આવે અને તમામ સ્ટાફ તથા દર્દીઓને કોઈ અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે.

દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં મહારાષ્ટ્ર પણ તમામ રાજ્યોમાં પહેલા નંબરે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 868 કન્ફર્મ્ડ કેસ નોંધાયા છે. 45 જણના મૃત્યુ થઈ ચૂક્યા છે.

ભારતમાં કોરોનાનાં કુલ 4,757 કેસો નોંધાયા છે. ગઈ કાલે નવા 479 કેસો આવ્યા હતા. કુલ મરણાંક 114 છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]