દુનિયામાં સૌથી સસ્તી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા મુંબઈમાં

મુંબઈઃ વિશ્વ સ્તરે ટિકિટ ડિસ્કાઉન્ટ વિશે સમીક્ષા કરતી કંપની ‘પિકોડી’ના વિશ્લેષકોના જણાવ્યાનુસાર, દુનિયામાં સૌથી સસ્તું જાહેર પરિવહન મુંબઈમાં ઉપલબ્ધ છે.

આ કંપનીએ આ વિષયમાં દુનિયાના 45 શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓનાં ટિકિટભાડાનો અભ્યાસ અને સંશોધન કર્યા બાદ નિર્ણય લીધો છે કે દુનિયામાં મુંબઈમાં સૌથી સસ્તું ભાડું લેવાય છે. મુંબઈમાં હાલ મહાનગરપાલિકા સંચાલિત ‘બેસ્ટ’ બસ સેવામાં ઓર્ડિનરી અને લિમિટેડ બસોમાં મિનિમમ બસભાડું પ્રતિ પાંચ કિલોમીટર માત્ર પાંચ રૂપિયા છે. જ્યારે એરકન્ડિશન્ડ બસોમાં 6 રૂપિયા છે. લંડન આ મામલે સૌથી મોંઘું છે. ત્યાં એક ટિકિટનો દર ડોલરની દ્રષ્ટિએ 5.19 છે. ઝૂરીકમાં 4.75 ડોલર અને ઓસ્લોમાં 3.91 ડોલર છે.

બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાઈ એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) કંપનીએ નક્કી કર્યું છે કે તે 2024ના માર્ચ સુધી બસભાડામાં કોઈ વધારે નહીં કરે.