મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેનું સપનું સાકાર થશે. સમુદ્રના ખારા પાણીને પીવાલાયક મીઠું બનાવવાની મહત્ત્વાકાંક્ષી યોજનાને અમલમાં મૂકવાની દિશામાં મુંબઈ મહાનગરપાલિકાએ મોટું પગલું ભર્યું છે. તેણે આ યોજના માટે એક સલાહકાર કંપનીની નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ કામગીરી એક ઈઝરાયલી કંપનીને સોંપવામાં આવી છે. ઈઝરાયલની જાણીતી કંપની આઈડીઈ વોટર ટેક્નોલોજીને મહાપાલિકાએ નિયુક્ત કરી છે. તે આગામી 8 મહિનામાં ઉક્ત પરિયોજના વિશે મહાપાલિકાને પોતાનો અહેવાલ આપશે. આ કંપનીએ ઈઝરાયલમાં અને વિદેશમાં અનેક ઠેકાણે સમુદ્રના ખારા પાણીને પીવાયોગ્ય બનાવતા પ્લાન્ટ સ્થાપિત કર્યા છે.
મુંબઈમાં પીવાના પાણીના મામલે ભવિષ્યમાં સંકટ આવવાની સંભાવનાને ધ્યાનમાં લઈને ઠાકરેએ આ યોજના ઘડી છે. આ યોજના માટે મલાડ (વેસ્ટ)ના મનોરી વિસ્તારમાં મહારાષ્ટ્ર રાજ્ય પર્યટન વિભાગ (એમટીડીસી)એ 12 એકર જમીનનો પ્લોટ આપ્યો છે. ત્યાં આ યોજના માટેનો પ્લાન્ટ નાખવામાં આવશે. આ યોજના પાછળ અંદાજે રૂ. 1,920 કરોડનો ખર્ચ થશે.