રેલવે લોકલ-ટ્રેનમાં સ્ટંટબાજો સામે સખત કાર્યવાહી કરશે

મુંબઈઃ  મુંબઈમાં રેલવેએ એક ફેબ્રુઆરીથી બધા માટે ટ્રેનો શરૂ કરી દીધી છે. જોકે લોકલ ટ્રેન શરૂ થતાં કેટલાક પ્રવાસીઓ સ્ટંટબાજોથી પરેશાન છે. લોકલ ટ્રેનોમાં પ્રારંભ પછી ફરી એક વાર લોકો દિલધડક સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. હવે રેલવેએ આવા લોકોની સામે સખતાઈ અને કાર્યવાહી કરવા માટે વિશેષ ટીમ બનાવી છે.

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થયો હતો, જેમાં એક યુવક બહુ ખતરનાક સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. આ વિડિયો સાત ફેબ્રુઆરીએ સવારના 9.30 કલાકથી 10 કલાકની વચ્ચે છે, એમ સૂત્રોએ કહ્યું હતું. જોકે રેલવેની વિશેષ ટીમ દરેક સ્ટેશને નજર રાખશે અને તમામ સ્ટન્ટબાજોની સામે કડક કાર્યવાહી કરશે.

જે લોકલ ટ્રેનમાં યુવક સ્ટન્ટ કરી રહ્યો હતો, એ ટ્રેન અંબરનાથથી સીએસટી જતી હતી. એ સમયે એક જાગ્રત પ્રવાસીએ તેને સ્ટન્ટ કરતા જોયો અને મોબાઇલથી પૂરી ઘટના રેકોર્ડ કરી લીધી. એ સમયે ટ્રેન સાયનથી દાદરની વચ્ચે હતી. જો તમે એ યુવકના સ્ટન્ટ જોશો તો તમારાં રૂવાંડાં ઊભાં થઈ જશે. તે એક પગે ઊભો હતો અને એક હાથથી ટ્રેનના ગેટને પકડીને લટકી રહ્યો હતો., જેવી ટ્રેને સ્પીડ પકડી –તે ક્યારેક થાંભલાને ટચ કરવાના પ્રયાસ કરતો તો ક્યારેક સામેથી આવતી ટ્રેનના મોટરમેનને હાથ બતાવતો હતો. એ સ્ટન્ટ એટલો ખતરનાક હતો કે જો જરા ભૂલ થાય તો સીધું મોત વહાલું થાય.

જોકે આંકડા દર્શાવે છે કે મુંબઈની લાઇફલાઇનથી દૈનિક ધોરણે 10 લોકોનાં મોત થાય છે તો એટલા જ લોકો ઇજાગ્રસ્ત થાય છે. આ આંકડો વર્ષના અંત સુધીમાં આશરે ત્રણ હજાર સુધી પહોંચી જાય છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]