
ઐતિહાસિક નગરી અમદાવાદના કોટ વિસ્તારની અંદર જ અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. એમાંનું એક મંદિર સારંગપુર વિસ્તારમાં આવેલું છે. સારંગપુર દરવાજાથી એકદમ નજીક સારંગપુર ખાડિયા વિસ્તારનું રણછોડજીનું મંદિર શહેરમાં ખુબજ જાણીતું છે. આ ઐતિહાસિક મંદિરમાં કારતક વદ પૂનમ, ઉત્તરાયણ, હોળી, અષાઢી બીજ, દિવાળી જેવા તહેવારો મનાવવામાં આવે છે. ઉત્તરાણ સહિત અનેક તહેવારોમાં રણછોડજીના મંદિર પાસે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં બારેમાસ ભુખ્યાને ભોજન જમાડવા માટે સદાવ્રત ચાલે છે.
શહેરના કોટ વિસ્તારમાં આવેલા રણછોડજીના મંદિરની આસપાસ રામજી મંદિર, અંબાજીનું મંદિર અને ગોવર્ધન મંદિર સાથે અનેક હેરિટેજ મંદિરો ઇમારતો આવેલા છે. પોળો, શેરીઓ અને સાંકડી ગલીઓ વાળા હેરિટેજ અમદાવાદ શહેરમાં રણછોડજી મંદિરનું પ્રાંગણ વિશાળ છે. આ સાથે મંદિરમાં રણછોડજી પત્ની સાથે બિરાજમાન છે. મંદિરના પ્રવેશતાની સાથે જ પ્રથમ ગરુડજીની અનોખી પ્રતિમા મુકવામાં આવી છે. પુરષોત્તમ મહિનામાં આ મંદિરમાં અન્નકુટ, સપ્તાહની સાથે અનેક ઉત્સવોની ઉજવણી કરવામાં આવી રહી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)






