12 ગેસ-સિલીન્ડરોના વિસ્ફોટથી મીરા રોડ હચમચી ગયું

મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના મીરા રોડ ઉપનગરમાં રવિવારે મધરાતે કેટલાક લોકોને ખૂબ ડરામણો અનુભવ થયો હતો. મીરા રોડ (પૂર્વ)માં સુરભી જિમખાનાની સામે આવેલી સેન્ટ પૌલ સ્કૂલની બાજુના રામનગર, શાંતિ મેદાનમાં ઊભી રાખવામાં આવેલી રાંધણ ગેસના સિલીન્ડરો ભરેલી બે ટ્રકમાંના સિલીન્ડરો ફાટ્યા હતા. એક પછી એક 12 સિલીન્ડર ફાટતાં આવેલા ભયાનક અવાજને કારણે આસપાસમાં રહેતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ધડાકાને લીધે સિલીન્ડરો અને બંને ટ્રકને આગ લાગી હતી. શાંતિ ગાર્ડન, સેક્ટર નંબર-પાંચમાં આવેલા એક મોટા મેદાનમાં એલપીજી ગેસ સિલીન્ડરો ભરેલી ટ્રકોને ઊભી રાખવામાં આવે છે. મધરાત બાદ લગભગ બે વાગ્યાની આસપાસ સિલીન્ડરો ફાટવાનું શરૂ થયું હતું. બંને ડિલીવરી ટ્રક બાજુબાજુમાં જ ઊભી રાખવામાં આવી હતી. એક સિલીન્ડર ફાટ્યા બાદ વારાફરતી 12 સિલીન્ડર ફાટ્યા હતા.

વિસ્ફોટના સમાચાર મળ્યા બાદ મીરા-ભાઈંદર અગ્નિશમન દળના 54 જવાનો સાત ફાયરએન્જિન્સ, બે વોટર ટેન્કર સાથે ત્યાં પહોંચી ગયા હતા. લગભગ એક કલાક બાદ તેઓ આગ પર નિયંત્રણ લાવી શક્યા હતા. વિસ્ફોટોની તીવ્રતા એટલી બધી હતી કે ફાયરમેનોને એમની ગાડીઓ અડધો કિલોમીટર દૂર ઊભી રાખવી પડી હતી અને ત્યાંથી ગેસ સિલીન્ડરોની ટ્રકો પર પાણીનો મારો કરવો પડ્યો હતો. ધડાકા એટલા બધા તીવ્ર હતા કે આજુબાજુના કેટલાક ઘરોના કાચ તૂટી ગયા હતા. એક સિલીન્ડરના પતરાનો ટૂકડો બાજુની હાઉસિંગ સોસાયટીના પરિસરમાં જઈને પડ્યો હતો. એક નાગરિકને ઈજા થઈ હતી. એને તાબડતોબ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.