લોસ એન્જેલીસમાં કિચન ક્વીન્સ-2021 સ્પર્ધામાં 3-વિજેતા પુરસ્કૃત

કેલિફોર્નિયાઃ અમેરિકામાં લોસ એન્જેલીસની કિચન ક્વીન્સ સંસ્થા દ્વારા કિચન ક્વીન્સ-૨૦૨૧ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે વર્ચ્યુઅલ યોજાયેલી સ્પર્ધામાં ૨૫૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના ત્રણ વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કિચન ક્વીન્સ સ્પર્ધામાં ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી અને લેબોન હોસ્પિટાલિટીનો સહયોગ રહ્યો હતો.

અમેરિકામાં ભારતીય સંસ્કૃતિ અને પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે કિચન ક્વીન્સ સંસ્થા દ્વારા દર વર્ષે કિચન ક્વીન્સ સ્પર્ધા અને અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ વખતે કોરોના મહામારીના કારણે સ્પર્ધા ઓનલાઈન યોજાઇ હતી. જેમાં અમેરિકા જ નહીં વિશ્વભરમાંથી ૨૫૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં બ્યુઍના પાર્ક ઓરેન્જ સિટીના તેજ માંડલિયા કિચન ક્વીન્સ-૨૦૨૧ જાહેર થયાં હતાં. તેજ માંડલિયા દ્વારા ભારતીય અને મેક્સિકન વાનગીનું મિશ્રણ બનાવીને ‘વેજ પકોડા તાકોસ’ વાનગી બનાવાઇ હતી. આ વાનગીમાં મેથી, કોર્ન્ટ તાકો, ફૂદીનાની ચટણી, અમૂલ-મેક્સિકન ચીઝ સહિતની ચીજોનો ઉપયોગ કરાયો હતો.

સ્પર્ધામાં સેરિટોઝ ઓરેન્જ સિટીના હર્ષલતાએ ‘સેઝવાન-મૂઠિયા’ની ડીશ બનાવી હતી જ્યારે સિટી ઓફ ટોરેન્સ લોસ ઍન્જિલસ ખાતે રહેતાં સોરિતા સોનિયા ઝાંગિયાનીએ ઇન્ડો-અમેરિકન વાનગી ‘પનીર મખની પાસ્તા’ બનાવી હતી.

કિચન કવીન્સ સ્પર્ધાના વિજેતાઓને સમ્માનિત કરવાના કાર્યક્રમમાં સંસ્થાના યોગી પટેલે, મીતા વસંતે જણાવ્યું હતું કે, છેલ્લાં છ વર્ષથી સંસ્થા દ્વારા આ સ્પર્ધા યોજવામાં આવે છે. કોરોના મહામારીને કારણે આ વર્ષે વર્ચ્યુઅલ આયોજન થયું હતું. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

કિચન ક્વીન્સ સ્પર્ધામાં સહયોગ આપનાર સંસ્થા ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પરિમલ શાહે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં યોજાયેલી આ સ્પર્ધાનો અલગ જ અને ખૂબ જ સારો અનુભવ રહ્યો. એમણે સ્પર્ધકોને બિરદાવ્યા હતા. આગામી વર્ષે જ્યારે આ સ્પર્ધા યોજાય ત્યારે એમાં ભાગ લેવા આહવાન કર્યુ હતું.

લેબોન હોસ્પિલિટીના યોગી પટેલે જણાવ્યું હતું કે, અમેરિકામાં કિચન ક્વીન્સ જેવા કાર્યક્રમોથી ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન મળે છે. સાથે સ્પર્ધકો દ્વારા જે વાનગી તૈયાર થાય છે તેનાથી વ્યાપક પ્રમાણમાં લોકોને જાણકારી પ્રાપ્ત થાય છે.

વિજેતા ત્રણેય સ્પર્ધકો દ્વારા કિચન ક્વીન્સ સંસ્થા દ્વારા થયેલા આયોજન અંગે પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, આ સ્પર્ધા ભારતીયોને પોતાની રસોઇકળાને બહાર લાવવા માટે એક મંચ પૂરો પાડે છે. એનાથી સૌ કોઇને પ્રોત્સાહન મળે છે.