મુંબઈઃ મહિલા પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગવર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા શહેરની ઉપનગરીય ટ્રેનોમાં તેમજ પ્લેટફોર્મ્સ પર રાતના 9 થી સવારના 6 વાગ્યા સુધી ગણવેશધારી જવાનોને તહેનાત કરવામાં આવનાર છે. આ માટે 1,200થી વધારે જવાનોને ફરજ પર મૂકવામાં આવશે.
ટ્રેનોમાં અને પ્લેટફોર્મ્સ પર મહિલા પ્રવાસીઓની જાતીય સતામણીના બનાવો વધી જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા મહિને એવા બે બનાવ બન્યા હતા. રેલવે પોલીસે જોકે બંને બનાવના આરોપીઓને પકડી લીધા છે. મહિલાઓને રાતના સમયે તેમજ વહેલી સવારના સમયે વધારે સુરક્ષા પ્રાપ્ત થાય એ માટે વધારે જવાનોને તહેનાત કરવામાં આવશે.