મારિજુઆના (ગાંજો)ની ઈન્ડોર ખેતી કરનારાની ધરપકડ

મુંબઈઃ પ્રતિબંધિત ગેરકાયદેસર દ્રવ્ય મારિજુઆના (ગાંજાના છોડનાં સૂકાં પાંદડાં જે પીવાથી ઘેન ચડે છે) તેની ઈન્ડોર ખેતી કરનાર બે જણની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના અધિકારીઓએ આજે પડોશના થાણે જિલ્લાના ડોંબિવલી ઉપનગરના વૈભવશાળી પલાવા સિટી વિસ્તારમાંથી ધરપકડ કરી છે. બંને વ્યક્તિ બે બેડરૂમ-હોલ-કિચનના ફ્લેટની અંદર હાઈડ્રોપોનિક્સ (માટીને બદલે એક પ્રકારના સોલ્યૂશનમાં છોડની ખેતી)ની રીતનો ઉપયોગ કરીને મારિજુઆના (ગાંજા) ઉગાડતા હતા. ગાંજો એક એવા છોડના પાંદડા અથવા કળી હોય છે જેને ચલમમાં ધૂમાડો ચૂસવાથી કે પીવાથી નશો ચડે છે.

અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે દરોડો પાડીને એનસીબીના અધિકારીઓએ ફ્લેટમાંથી એક કિલોગ્રામ મારિજુઆના જપ્ત કર્યું છે. સાથોસાથ, એમણે ખેતી માટેના સેટઅપ, pH રેગ્યૂલેટર્સ, પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ, માટીના ગાંગડા (ટૂકડા), પાણીના પમ્પ્સ, એર સર્ક્યૂલેશન સિસ્ટમ, CO2 ગેસ સિલીન્ડર્સ, ફોટોસિન્થેસીસ લાઈટિંગ સિસ્ટમ વગેરે ચીજવસ્તુઓ પણ કબજે કરી છે. બંને આરોપીના નામ છેઃ જાવેદ જહાંગીર શેખ અને અર્શદ ખત્રી. ફ્લેટ રેહાન ખાન નામના એક જણનો છે જે સાઉદી અરેબિયામાં છે. તે મારિજુઆનાની ખેતી માટે નાણાં પૂરા પાડી રહ્યો હતો. અર્શદ ખત્રી હાઈડ્રોપોનિક ખેતીનો નિષ્ણાત છે જ્યારે જાવેદ ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરતો હતો. મારિજુઆનાની ઈન્ડોર ખેતી કરવા માટે આ બંને જણે ડાર્ક વેબ મારફત નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમમાંથી બી મેળવ્યા હતા. ખેતી કરીને જે ઉગાડતા એ તેઓ મુંબઈ અને પુણેમાં ડ્રગ્સના દાણચોરોને વેચતા હતા – રૂ. 2,500 પ્રતિ ગ્રામના ભાવે. વેચાણની રકમ તેઓ રોકડ અથવા બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં મેળવતા હતા.