મુંબઈઃ મધ્ય રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગના મોટરમેનોએ ચેતવણી આપી છે કે ખાલી પડેલી જગ્યાઓ જો ભરવામાં નહીં આવે તો તેઓ 27 ફેબ્રુઆરીથી ઓવરટાઈમ કામ કરવાનું બંધ કરી દેશે. એને કારણે લોકલ ટ્રેનોની સેવાઓ પર માઠી અસર પડી શકે છે.
મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાં મોટરમેનોની કુલ સંખ્યા 923 છે, પરંતુ હાલ એમાં 811 મોટરમેન જ કામ કરે છે. 112 પોસ્ટ ખાલી પડેલી છે. મધ્ય રેલવે મઝદૂર સંઘના વિભાગીય ચેરમેન વિવેક શિશોદીયાએ કહ્યું છે કે અમે લોકલ ટ્રેન સેવા ખોરવી નાખવા માગતા નથી, પરંતુ મધ્ય રેલવેના મુંબઈ વિભાગના ઉદાસીન વલણને કારણે અમને ઓવરટાઈમ કામ કરવાનું બંધ કરવાની ફરજ પડી છે. જો અમે ઓવરટાઈમ બંધ કરીશું તો ઘણી લોકલ ટ્રેનો રદ કરવી પડશે. મધ્ય રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગ પર હાલ દરરોજ 1,810 ટ્રેન દોડાવવામાં આવે છે. હાલમાં જ એમાં 36 ટ્રેનનો ઉમેરો કરવામાં આવ્યો છે. આને કારણે મોટરમેનો અને ટ્રેન ગાર્ડ પર કામનો બોજો વધી ગયો છે.