મુંબઈ મેટ્રોને અદાણી ગ્રુપ તરફથી મળશે વીજપુરવઠો

મુંબઈઃ ઉત્તર મુંબઈના દહિસરથી ડીએન નગર (અંધેરી વેસ્ટ) વચ્ચેની મેટ્રો લાઈન – 2A અને દહિસર (પૂર્વ)થી અંધેરી (પૂર્વ) વચ્ચેની મેટ્રો-7 લાઈનને હવે અદાણી ગ્રુપ તરફથી વીજપુરવઠો મળવાનો છે. આ માટે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ ઓથોરિટી (MMRDA) અને અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ વચ્ચે ભાગીદારી કરાર કરવામાં આવ્યો  છે.

દેશના અન્ય શહેરોની સરખામણીમાં મુંબઈમાં વીજળી વિતરણ વ્યવસ્થા થોડીકક જટિલ પ્રકારની છે. અહીં મહાનગરપાલિકા સંચાલિત બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાઈ એન્ડ ટ્રાન્સપોર્ટ એટલે કે BEST કંપની અને મહારાષ્ટ્ર રાજ્ય વીજ વિતરણ ઉપક્રમ એટલે કે મહાવિતરણ (MSEDCL) આ બે મુખ્ય જાહેર ક્ષેત્રની કંપની કરે છે. એમની સાથે ટાટા પાવર અને અદાણી ઈલેક્ટ્રિસિટી જેવી ખાનગી ક્ષેત્રની વીજ વિતરક કંપનીઓ પણ છે. અદાણી ગ્રુપની કંપની મુંબઈના ઉપનગરોમાં 31 લાખી વધારે ઘરોમાં તેમજ કમર્શિયલ ગ્રાહકોને વીજપુરવઠો પૂરો પાડે છે. છેલ્લા કેટલાક વર્ષોથી અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા જુદા જુદા એરપોર્ટ, ડેટા સેન્ટર, હોસ્પિટલો, મેટ્રો રેલવે, સોફ્ટવેર પાર્ક અને હોટેલ જેવા મોટા ગ્રાહકોને પણ વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે.

હવે અદાણી ગ્રુપની કંપનીએ શહેરમાં મેટ્રો લાઈન (2A અને 7) માટે વીજપુરવઠો પૂરો પાડવા માટે ભાગીદારી કરાર કર્યો છે. દર વર્ષે આશરે 12 કરોડ યુનિટ જેટલી વીજળી વપરાશે. મુંબઈમાં ભૂતકાળમાં થયેલા બે ગ્રિડ આઉટેજ (વીજપુરવઠો અચાનક ખંડિત થવાની) સમસ્યા આવી હતી ત્યારે અદાણી ઈલેક્ટ્રિસિટી તરફથી અખંડિત વીજપુરવઠો કરવામાં આવ્યો હતો.