ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતાં ગામવાસીઓની હિજરત

જાવાઃ ઈન્ડોનેશિયાના જાવા ટાપુના પૂર્વ ભાગના વિસ્તારના પર્વત પર જ્વાળામુખી ફાટતાં સત્તાવાળાઓએ ગામવાસીઓને તાત્કાલિક સ્થળાંતર કરી જવાની અત્યંત કડક ચેતવણી બહાર પાડી હતી. એને પગલે 2,000 જેટલા લોકો તાબડતોબ વિસ્તારમાં ખસી ગયા હતા. જ્વાળામુખી ફાટતાં લાવા નીકળ્યો હતો અને રાખના કાળા વાદળો ઉમટ્યા હતા જે આકાશમાં 15 કિલોમીટર જેટલા ઊંચે ગયા હતા.

આ કુદરતી આફતમાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. તે વિસ્તાર પરથી વિમાનોની અવરજવર ઉપર પણ કોઈ માઠી અસર પહોંચી નથી, પરંતુ આસપાસના બે પ્રાદેશિક એરપોર્ટને અત્યંત સતર્ક રહેવાની નોટિસ આપવામાં આવી છે. સ્થાનિક સમય મુજબ આજે સવારે જ્વાળામુખી ફાટતાં રાખનો વરસાદ વરસવા માંડ્યો હતો. ત્યાંના મોટા ભાગના રસ્તાઓ બંધ છે. હજી ગયા જ વર્ષે જાવા ટાપુ પર સૌથી ઊંચા પર્વત સીમેરુ પર જ્વાળામુખી ફાટ્યો હતો જેને કારણે 50થી વધારે લોકો માર્યા ગયા હતા અન હજારો લોકો વિસ્થાપિત થયા હતા.