ઉદયપુર છે G20-ભારત પ્રેસિડેન્સીની પ્રથમ શેરપા-બેઠકનું યજમાન

ઉદયપુર: રાજસ્થાનનું ઉદયપુર શહેર 4 થી 7 ડિસેમ્બર 2022 દરમિયાન પ્રથમ G-20 શેરપા બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા ભારતીય શેરપા અમિતાભ કાંત કરશે. જી-20 જૂથના સભ્યોના નેતાઓના અંગત દૂતને શેરપા કહેવાય છે.

તેઓ વર્ષભરમાં થનાર વાટાઘાટોની દેખરેખ રાખે છે અને સમિટ માટે એજન્ડા આઇટમ પર ચર્ચા કરી G20ના મહત્વપૂર્ણ કાર્યોનું સંકલન કરે છે. વિદેશ મંત્રાલયે તાજેતરમાં ઉદયપુરમાં કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. G20 શેરપાની આ બેઠકના લીધે, ઉદયપુરને આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે રજૂ કરવામાં પણ મદદ મળશે.

તાજ ફતેહ પેલેસ હોટેલ સહિત ઉદયપુરની આસપાસના વિવિધ સ્થળોએ આ બેઠકો યોજવામાં આવશે.  આ દરમિયાન, તમામ ડેલિગેટ્સને કુંભલગઢ કિલ્લાનો પ્રવાસ કરાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ભારતે ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે સત્તાવાર રીતે G-20નું પ્રમુખપદ ગ્રહણ કર્યું છે. યજમાન રાષ્ટ્ર તરીકે ભારત નવી દિલ્હીમાં સપ્ટેમ્બર 2023માં યોજાનારી G-20 સમિટની બેઠકનો એજન્ડા નક્કી કરશે. 19 દેશોનું બહુપક્ષીય સંગઠન, ગ્રુપ ઓફ 20 અથવા G-20 અને યુરોપિયન યુનિયનની સ્થાપના 1999માં કરવામાં આવી હતી. ભારત સ્થાપના સમયથી જ G20નું સભ્ય છે.

G20 એ વિશ્વની બે તૃતીયાંશ વસ્તી, વૈશ્વિક જીડીપીના લગભગ 85% અને 75 ટકાથી વધુ વૈશ્વિક વેપારનું પ્રતિનિધિત્વ કરે છે.