મુંબઈઃ દક્ષિણ મુંબઈમાં મધ્ય રેલવે વિભાગ પરના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) સ્ટેશન પર આજે સવારે બનેલી એક આંચકાજનક ઘટનામાં એક લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. સદ્દભાગ્યે કોઈને પણ ઈજા થઈ નહોતી. આ અકસ્માતને કારણે હાર્બર લાઈન ઉપરની લોકલ ટ્રેન સેવા કલાકો સુધી ખોરવાઈ ગઈ હતી.
આ ઘટના આજે સવારે 9.39 વાગ્યે બની હતી. તે ટ્રેન પનવેલ જવા માટે પ્લેટફોર્મ નંબર-1 પરથી રવાના થવાની તૈયારીમાં હતી, પરંતુ તે આગળ વધવાને બદલે પાછળની તરફ સરકી ગઈ હતી અને તે જ પ્લેટફોર્મ પરના ડેડ-એન્ડ (બફર) સાથે સહેજ અથડાઈ પડી હતી. એને કારણે ટ્રેનનો પાછળની બાજુનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. આ ઘટનાને કારણે રેલવે અધિકારીઓએ હાર્બર લાઈન માટેની ટ્રેન સેવાને પ્લેટફોર્મ નંબર-2 પરથી શરૂ કરાવી હતી. પરંતુ ટ્રેનોનું સમયપત્રક ખોરવાઈ ગયું હતું. CSMT સ્ટેશન પર હાર્બર લાઈન માટેની લોકલ ટ્રેન સેવા માટે માત્ર બે જ પ્લેટફોર્મ છે. આ જ સ્ટેશન પરથી મધ્ય રેલવેની મેઈન લાઈન પરની લોકલ ટ્રેન સેવા જોકે યથાવત્ રહી હતી. બપોરે લગભગ 12.30 વાગ્યાની આસપાસ પાટા પરથી ઉતરી ગયેલા ડબ્બાને પાછો પાટા પર લાવી દેવામાં આવ્યો હતો અને તે લોકલ ટ્રેનને કારશેડમાં મોકલી દેવામાં આવી હતી.