મુંબઈઃ બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન સાથે મુલાકાત ગોઠવી આપવાનું વચન ખોટી રીતે આપીને એક મહિલા સાથે રૂ. 82 લાખ 75 હજારની ઠગાઈ કરવા બદલ મુંબઈમાં અંધેરી (વેસ્ટ)ના અંબોલી પોલીસ સ્ટેશને એક શખ્સ સામે ફરિયાદ નોંધી છે.
આ એફઆઈઆર ઐશ્વર્યા શર્મા નામની 39 વર્ષીય મહિલાએ નોંધાવી છે જે ગોરેગાંવ (ઈસ્ટ)ની રહેવાસી છે. તેની ઈચ્છા ફિલ્મ નિર્માત્રી બનવાની હતી. ઘણા પ્રયાસો કર્યાં તે છતાં એને સફળતા મળી નહોતી. એવામાં તેની ઓળખાણ મૂળ નવી દિલ્હીના કૃષ્ણા શર્મા નામના એક વ્યક્તિ સાથે થઈ હતી. ઐશ્વર્યા બોલીવુડમાં કૃષ્ણાની વગની વાતોથી પ્રભાવિત થઈ ગઈ હતી અને પેલાએ તેને આપેલા મસમોટાં વચનો પર ભરોસો કરી દીધો હતો. ઐશ્વર્યા શર્મા ‘લવ’ નામની એક ફિલ્મ બનાવવા માગતી હતી. કૃષ્ણાએ ઐશ્વર્યાને ખાતરી આપી હતી કે તે એની ફિલ્મમાં કામ કરવા માટે અભિનેતા કાર્તિક આર્યન સાથે લંડનમાં મુલાકાત ગોઠવી આપશે. એણે તે માટે ઐશ્વર્યા શર્મા પાસેથી પૈસા માગ્યા હતા. તેણે ઐશ્વર્યા પાસેથી ધીમે ધીમે કરીને રૂ. 82.75 લાખ પડાવ્યા હતા. પરંતુ પૈસા લીધાં બાદ તેણે મહિલાને બહાના બતાવવાનું શરૂ કરી દીધું હતું. કાર્તિક આર્યન સાથે મુલાકાત ન થતાં મહિલાએ એનાં પૈસા પાછાં આપવા કહ્યું હતું, પરંતુ પેલાએ આપ્યા નહોતા. આખરે મહિલાને સમજાયું હતું કે પોતે છેતરાઈ ગઈ છે અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ભારતીય ફોજદારી ધારાની કલમ 406 અને 420 અંતર્ગત કૃષ્ણા શર્મા સામે કેસ નોંધ્યો છે.