મુંબઈ – મુંબઈ મહાનગરપાલિકાએ 15 નવેમ્બરના ગુરુવારથી મુંબઈ શહેર તથા ઉપનગરોમાં પાણી પૂરવઠામાં 10% નો કાપ મૂકવાની જાહેરાત કરી દીધી છે.
મહાનગરપાલિકાના નાયબ કમિશનરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 2018માં ચોમાસું સમાપ્ત થયું ત્યારબાદ ગત 1 નવેમ્બરના રોજ જળાશયોમાં વાપરવા યોગ્ય પાણીનો જથ્થો ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન રહેલા પાણીના જથ્થાની સરખામણીમાં 15 ટકા ઓછો હોવાનું જણાયું છે. તેથી મુંબઈ શહેર તથા ઉપનગરોમાં પાણીકાપ 15 નવેમ્બરથી લાગુ કરાશે અને 2019માં ચોમાસું બેસે ત્યાં સુધી ચાલુ રખાશે.
વિતેલા ઓગસ્ટ તેમજ સપ્ટેમ્બર મહિના દરમ્યાન નહીંવત્ વરસાદને કારણે મુંબઈના જળાશયોમાં પાણીનું સ્તર ઘટવા લાગ્યું છે. મંગળવારે મુંબઈના જળાશયોમાં ગયા વર્ષની સરખામણીએ પાણીનું સ્તર 15% વધુ ઓછું થયું હતું. ગયા વર્ષે (13.2 લાખ મિલિયન લિટર) પાણી હતું, જ્યારે આ વર્ષે 11 લાખ મિલિયન લિટર પાણી છે. સાત જળાશયો મુંબઈ શહેરને રોજનું 3,800 મિલિયન લિટર પાણી પૂરું પાડે છે.
મહાનગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું કે ‘મુંબઈમાં 10% પાણી કાપ રહેણાંક તેમજ વ્યાવસાયિક, એમ બંને સ્તરે અપાતા પાણીપૂરવઠામાં સરખો લાગુ કરવામાં આવશે. અત્યારે જો આ પાણી કાપ લાગુ ન કરવામાં આવે તો, સરોવરોમાં અનામત રાખેલો પાણીનો જથ્થો પણ આગળ જતાં ઘટી જાય.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈની પડોશના ભિવંડી, થાણે અને કલ્યાણ શહેરો તથા આસપાસના ગામોમાં પણ પાણી પૂરવઠામાં 10 ટકાનો કાપ મૂકવામાં આવશે.