મુંબઈના પરિવારમાં ઉત્સવને બદલે શોક છવાયોઃ ગેસ સિલીન્ડર ફાટતાં મામા-ભાણેજનું કરૂણ મોત

મુંબઈ – અહીંના અંધેરી (વેસ્ટ)ના વીરા દેસાઈ રોડ પર આવેલા કદમ હાઈટ્સ SRA નામના બહુમાળી રહેણાંક ટાવરના એક ફ્લેટમાં મંગળવારે રાતે લગભગ 8.20 વાગ્યાના સુમારે ગેસનું સિલીન્ડર ફાટવાથી લાગેલી ભયાનક આગમાં એક હિન્દીભાષી પરિવારના બે સભ્યોનું કરૂણ મરણ નિપજ્યું હતું, જ્યારે એક જણ દાઝી ગયો હતો. બે મૃતકમાંનો એક વિકી શર્મા 25 વર્ષનો યુવક હતો અને બીજો હતો એની બહેનનો દીકરો સાગર (7).

મંગળવારે છઠ પૂજાનો દિવસ હોઈ 21 માળના ટાવરના 10મા માળ પર આવેલા ઘરમાં પૂજા ચાલુ હતી. એ વખતે રાંધણગેસના સિલીન્ડરમાંથી ગેસ લીક થતાં ઘરના મોભી વ્યક્તિ સિલીન્ડરનું રેગ્યૂલેટર ઠીક કરવા ગયા હતા, પણ સિલીન્ડર ધડાકા સાથે ફાટ્યું હતું. એ વ્યક્તિ હાથ અને પગે સખત રીતે દાઝી ગયા હતા જ્યારે વિકી શર્મા અને સાગર ભડથૂં થઈ ગયા હતા.

આગની બૂમાબૂમ થતાં પડોશીઓ દોડી આવ્યા હતા અને ઘરનાં ત્રણ સભ્યોને બેડરૂમમાંથી ઉગારી લીધા હતા. ઈજાગ્રસ્તને વિલે પારલેની સરકાર સંચાલિત કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આગની જ્વાળાઓ 11, 12 અને 13મા માળ સુધી ફેલાઈ હતી.

આગની જાણ થતાં અગ્નિશામક દળના જવાનો પાંચ ફાયર એન્જિન્સ, ચાર જમ્બો વોટર ટેન્કર અને એમ્બ્યુલન્સ સાથે કદમ હાઈટ્સ ખાતે પહોંચી ગયા હતા. બે કલાકની જહેમત બાદ આગને બુઝાવવામાં જવાનો સફળ થયા હતા.

ધડાકા અને આગને કારણે ઘરમાં ઘણું નુકસાન થવા પામ્યું છે.