મુંબઈઃ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈ મહાનગરપાલિકા (BMC)નું વર્ષ 2021 માટેનું બજેટ આજે પાલિકા ગૃહમાં રજૂ કર્યું હતું. મહાપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટમાં અનેક મોટી યોજનાઓની જાહેરાતો કરવામાં આવી છે. ચહલે વર્ષ બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. 2,945.78 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે. સાથોસાથ, મુંબઈ મહાપાલિકા દ્વારા સંચાલિત તમામ શાળાઓનું નામકરણ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાઈરસ રોગચાળો ફેલાતા ઓનલાઈન શિક્ષણની જરૂરિયાતને ધ્યાનમાં લઈને BMCએ 40 યૂટ્યૂબ ચેનલો શરૂ કરી છે.
મુંબઈ બીએમસી બજેટનું કુલ કદ રૂ. 39,038.83 કરોડ છે. તે ગયા વર્ષના બજેટ કરતાં 16.74 ટકા વધારે છે. ગયા વર્ષે મહાપાલિકાએ રૂ. 33,441.02 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. નવા વર્ષમાં શિક્ષણ માટે ડિજિટલ વર્ગો, ઈ-લર્નિંગ અને શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કોવિડ-19 સંકટકાળમાં વિદ્યાર્થીઓને મહાપાલિકા તરફથી સાબુ, હેન્ડ વોશ વગેરે સુરક્ષા સાવચેતીઓ માટે રૂ. 15 કરોડનો ખર્ચ કર્યો. હવે પછી મુંબઈ મહાપાલિકાની તમામ શાળાઓ ‘મુંબઈ પબ્લિક સ્કૂલ’ તરીકે ઓળખાશે. શહેરમાં નવી 24 માધ્યમિક શાળાઓ અને 10 સીબીએસસી શાળા શરૂ કરાશે.