ભાયખલા જેલમાં 39 મહિલા-કેદી, 6-બાળકોને કોરોના થયો

મુંબઈઃ અહીંના ભાયખલા વિસ્તારમાં આવેલી જેલમાં મહિલાઓનાં વિભાગમાં આશરે 39 મહિલા કેદીઓ અને એમનાં છ બાળકોને કોરોનાવાઈરસ બીમારી લાગુ થયાનું માલુમ પડ્યું છે. જેલનાં સૂત્રોના જણાવ્યા મુજબ, જ્યારે બીમાર પડે ત્યારે મહિલા કેદીઓ, એમનાં બાળકોને અને ગર્ભવતી મહિલાઓને ચેક-અપ અને સારવાર માટે સામાન્ય રીતે સરકાર સંચાલિત જે.જે. હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં હોય છે. વળી, અદાલતોમાં કેસોની સુનાવણીઓ પણ ફરી શરૂ થઈ છે. તેથી જેલની બહાર અવરજવર રહેવાને કારણે આ મહિલાઓને બહારથી કોરોનાનો ચેપ લાગ્યો હશે અને તે જેલની અંદર ફેલાયો હતો.

ભાયખલા મહિલા જેલમાં હાલ 312 મહિલા કેદીઓ છે અને સાથે એમનાં 10 બાળકો છે. કોરોના સંક્રમિત મહિલા કેદીઓ તથા બાળકોને ભાયખલા વિસ્તારમાં જ પાટણવાલા ઉર્દૂ સ્કૂલમાં ખસેડવામાં આવ્યાં છે. આ મ્યુનિસિપલ શાળાને કેદીઓ માટે કામચલાઉ કોવિડ સેન્ટરમાં ફેરવી દેવામાં આવી છે.