હેરિટેજ-ટૂરઃ મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ હાઈકોર્ટ વચ્ચે કરાર

મુંબઈઃ આજે ‘આંતરરાષ્ટ્રીય પર્યટન દિવસ’ નિમિત્તે મહારાષ્ટ્ર સરકારે હેરિટેજ ટૂર્સ માટે બોમ્બે હાઈકોર્ટ સાથે એક સમજૂતી કરી છે. આ હેરિટેજ પ્રવાસ મુંબઈ હાઈકોર્ટની ઈમારત તથા બાજુમાં જ આવેલી મુંબઈ યૂનિવર્સિટીની ઈમારતની રવિવારની રજા તથા અન્ય જાહેર રજાઓના દિવસે કરી શકાશે. આ માટેનું બુકિંગ ટિકિટ કંપની ‘બૂકમાયશૉ‘ પર ઉપલબ્ધ થશે. મુંબઈ હાઈકોર્ટ 130 વર્ષ જૂની છે. એ મહારાષ્ટ્ર ઉપરાંત ગોવા, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની પણ હાઈકોર્ટ છે. હાઈકોર્ટની ઈમારતને 2018માં ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ’ની યાદીમાં સામેલ કરવામાં આવી હતી.

હેરિટેજ ટૂર માટેના કરાર પર રાજ્ય સરકાર અને મુંબઈ હાઈકોર્ટ તથા મુંબઈ યૂનિવર્સિટીના પ્રતિનિધિઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે, મહેસુલ પ્રધાન બાળાસાહેબ થોરાત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં એવા પસંદગીકૃત ગાઈડનું બહુમાન કરવામાં આવ્યું હતું જેમણે રાજ્યમાં પર્યટન ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર ટૂરિઝમ વિભાગની નવી માહિતીપ્રદ વેબસાઈટ તથા મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી હતી.