મહારાષ્ટ્રમાં દૂધમાં ભેળસેળ કરનારને થશે 3 વર્ષની જેલની સજા

મુંબઈ – મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં દૂધમાં ભેળસેળની પ્રવૃત્તિને બિન-જામીનપાત્ર ગુનો ગણવાની છે અને એ માટે એક નવો કાયદો લાવશે જે અંતર્ગત આવો ગુનો કરનારને ત્રણ વર્ષની જેલની સજા થશે.

મુંબઈ મહાનગર સહિત રાજ્યભરમાં દૂધમાં ભેળસેળનું દૂષણ પ્રવર્તે છે એવી વારંવાર ફરિયાદો થઈ છે. એને પગલે રાજ્ય સરકાર આવી પ્રવૃત્તિઓને બિન-જામીનપાત્ર ગુનો બનાવશે જેને પગલે અપરાધીને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થશે. રાજ્યના અન્ન તથા જાહેર પુરવઠા ખાતાના પ્રધાન ગિરીશ બાપટે આજે અહીં આ જાણકારી આપી હતી.

હાલ મહારાષ્ટ્રમાં દૂધમાં ભેળસેળ એ જામીનપાત્ર ગુનો ગણાય છે અને એમાં અપરાધી ઠરનારને માત્ર છ મહિનાની જેલની સજા થાય છે. હવે રાજ્ય સરકાર આ કાયદામાં ફેરફાર કરવા માગે છે.

આજે રાજ્ય વિધાનસભામાં શાસક ભારતીય જનતા પાર્ટીના જ સભ્ય અમીત સાટમે રજૂ કરેલી ધ્યાનાકર્ષક નોટિસના જવાબમાં બાપટે કહ્યું હતું કે જરૂર લાગશે તો દૂધમાં ભેળસેળના ગુના માટેની સજા 3 વર્ષ સુધી વધારવામાં આવશે. આરોપી માટે જામીન મેળવવાનો કોઈ અવકાશ રખાશે નહીં.

બીજા ઘણા સભ્યોએ માગણી કરી હતી કે આ ગુના માટે આજીવન કેદની સજા હોવી જોઈએ, પરંતુ ગિરીશ બાપટે કહ્યું કે આવા ગુના માટે આજીવન કેદની સજાવાળો કાયદો ઘડવામાં મુશ્કેલીઓ નડી શકે છે.

હાલ મહારાષ્ટ્રમાં, દૂધમાં ભેળસેળની ચકાસણી કરવા માટે માત્ર ચાર જ મોબાઈલ વેન છે અને આ ચકાસણી પણ નિયમિત રીતે કરાતી નથી.

બાપટે તેમ છતાં ગૃહને ખાતરી આપી હતી કે પોતે સંબંધિત વિભાગોના અધિકારીઓને આદેશ આપશે કે આ ચકાસણીઓ નિયમિત રીતે કરવામાં આવે.

અમીત સાટમે કહ્યું હતું કે મુંબઈમાં ભેળસેળ કરાયેલા કુલ દૂધનું 30 ટકા દૂધ મુંબઈમાં લાવવામાં આવે છે. આવું દૂધ આરોગ્ય માટે ગંભીર રીતે જોખમી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]