મુંબઈઃ માટુંગાસ્થિત બિગ બાઝાર સ્ટોરમાં ભીષણ આગ લાગી; કોઈ જાનહાનિ નથી

મુંબઈ – અહીંના માટુંગા ઉપનગરમાં આવેલા બિગ બાઝાર સુપરસ્ટોરમાં આજે સાંજે ભીષણ આગ લાગતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

આગની જાણ થતાં તરત જ અગ્નિશામક દળના જવાનો પાંચ ફાયર એન્જિન્સ, એક ક્વિક રીસ્પોન્સ વેહિકલ, એક એમ્બ્યુલન્સ સાથે ત્યાં પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

ફાયર બ્રિગેડે આગને લેવલ-2 ગણાવી હતી.

આગ સાંજે 5.12 વાગ્યે લાગી હતી. અગ્નિશામક દળના જવાનો માત્ર ચાર મિનિટમાં જ ત્યાં પહોંચી ગયા હતા.

આગ સ્ટોરના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી અને ત્યાં સુધી જ સીમિત રહી હતી.

આ મકાન બિગ બાઝારની માલિકીનું છે.

આગ લાગતાં ધૂમાડાનાં ગોટેગોટા ઉડ્યા હતા અને દૂર દૂરથી પણ આકાશમાં એ જોઈ શકાતા હતા.

આગ લાગી ત્યારે સ્ટોરમાં રહેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થયાનો અહેવાલ નથી.