મુંબઈમાં આજે 60 ટકા મતદાન થવાની આશા; મહિલા મતદારો માટે ‘સખી મતદાન કેન્દ્રો’

મુંબઈ – સાત રાઉન્ડવાળી લોકસભા ચૂંટણી માટે આજે ચોથા ચરણનું મતદાન યોજાશે. આમાં મુંબઈ મહાનગરનો પણ સમાવેશ થાય છે. મુંબઈમાં લોકસભાની 6 બેઠક માટે મતદાન થશે.

મહારાષ્ટ્રમાં મતદાનનો આ ચોથો અને આખરી રાઉન્ડ હશે.

મહિલા મતદારોને પ્રોત્સાહિત કરવા માટે ચૂંટણી પંચે મુંબઈમાં 36 મતદાન કેન્દ્રોને સખી મતદાન કેન્દ્ર તરીકે ઘોષિત કર્યા છે. આવા મતદાન કેન્દ્રોમાં મતદાનને લગતી તમામ કામગીરી મહિલાઓનો બનેલો સ્ટાફ સંભાળશે. સુરક્ષા વ્યવસ્થા પણ મહિલા પોલીસ જવાનો સંભાળશે.

જિલ્લા કલેક્ટર (મુંબઈ શહેર) શિવાજી જોંધાળેએ કહ્યું કે મતદાન બુથની બહાર સેલ્ફી પોઈન્ટ બનાવાશે જેથી પહેલી વાર મતદાન કરનારાઓ એમની શાહીવાળી આંગળીની તસવીરો રાજ્ય ચૂંટણી પંચે સર્ક્યૂલેટ કરેલા વોટ્સએપ નંબર પર મોકલી શકશે. આવા યુવા વ્યક્તિઓ આગામી ચૂંટણી માટેનાં એમ્બેસેડર તરીકે કામ કરશે.

જિલ્લા કલેક્ટર (મુંબઈ ઉપનગરો) સચીન કુર્વેનું કહેવું છે કે કોઈ પણ સંજોગોમાં પોલિંગ બૂથની અંદર મોબાઈલ ફોન લઈ જવા દેવામાં નહીં આવે. સબર્બન ડિસ્ટ્રીક્ટમાં 26 સખી મતદાન કેન્દ્રો હશે. ત્યાં અમે તમામ મહિલા મતદારોને કોકમનું શરબત અને સેનિટરી નેપ્કિન્સ પૂરા પાડવામાં આવશે.

સમગ્ર મુંબઈ શહેરમાં સુરક્ષા બંદોબસ્ત મજબૂત રહે એ માટે 47,000 જણનો ચૂંટણી સ્ટાફ હશે અને 40,400 પોલીસ જવાનો તહેનાત કરાશે. પ્રત્યેક પોલિંગ બૂથમાં કમસે કેમ 1 પોલીસ કોન્સ્ટેબલ હશે.

શહેરના 10,073 પોલિંગ બૂથમાંના 325 બૂથને ગંભીર સ્તરનાં ઘોષિત કરાયા છે. આ કેન્દ્રો ખાતે વધારે પોલીસોને તહેનાત કરવામાં આવશે.

મુંબઈમાં છ લોકસભા મતવિસ્તારોમાં એક કરોડથી વધારે મતદારો છે.

ગઈ 1 સપ્ટેંબરથી ચૂંટણી પંચની સતત કામગીરી દ્વારા ચાર સબર્બન મતવિસ્તારોમાં 3 લાખ જેટલા મતદારોનો ઉમેરો કરી શકાયો છે.

જોંધાળેએ કહ્યું કે, વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સિસ્ટમને લીધે કોઈને ફરિયાદ નહીં રહે કે મતો કોઈ અન્ય પક્ષોના ખાતામાં જતા રહે છે. ઈવીએમ મશીન પર બટન દબાવાયા બાદ બાજુના VVPAT મશીન પર તે પાર્ટીનું પ્રતિક દેખાશે અને તે સાત સેકંડ સુધી દેખાયેલું રહેશે. એના પરથી મતદારોને જાણકારી મળશે કે એમનો વોટ એમણે પસંદ કરેલી પાર્ટીના ખાતામાં જ ગયો છે. જો કોઈ ઈવીએમ મશીન ખરાબ થયેલું જણાય તો પ્રીસાઈડિંગ ઓફિસર પાસે ફરિયાદ નોંધાવવાની રહેશે. જેથી મશીનને બદલી શકાય. જીપીએસની મદદથી ચૂંટણી સત્તાવાળાઓ ઈવીએમ મશીનોની કામગીરી પર દેખરેખ રાખશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]