મુંબઈઃ પોતાનાં ફેસબુક પેજ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારનું અપમાન કરતી એક પોસ્ટ શેર કરવા બદલ પકડાયેલી મરાઠી અભિનેત્રી કેતકી ચિતળેને પડોશના થાણે શહેરની કોર્ટે 18 મે સુધી પોલીસ કસ્ટડીમાં રીમાન્ડ પર મોકલી આપી છે. એનસીપી મહારાષ્ટ્રમાં શાસક મહાવિકાસ આઘાડી સરકારમાં ભાગીદાર પક્ષ છે.
કેતકી ચિતળે સામે દક્ષિણ મુંબઈમાં પરેલ ઉપનગરના ભોઈવાડા વિસ્તારના પોલીસ સ્ટેશને પણ ઈન્ડિયન પીનલ કોડની છ કલમ હેઠળ કેસ નોંધ્યો છે. આમ, કેતકી સામે અત્યાર સુધીમાં કુલ પાંચ કેસ નોંધાયા છે. એનસીપીની મહિલા પાંખની કાર્યકરો અને સમર્થકો કેતકી પર એટલી બધી ગુસ્સે ભરાઈ છે કે ગઈ કાલે શનિવારે નવી મુંબઈના કલંબોલી પોલીસ સ્ટેશનની બહાર એની પર કાળી શાહી ફેંકી હતી અને ઈંડા ફેંક્યા હતા. કેતકી સામે કડક પગલું ભરવામાં આવે એવી એનસીપીના સમર્થકોએ માગણી કરી છે.
29 વર્ષની કેતકી નાશિકની રહેવાસી છે અને ફાર્મસીની વિદ્યાર્થિની છે. શરદ પવાર વિરુદ્ધ અપમાનજનક કમેન્ટ કરવા બદલ થાણે પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ગયા શુક્રવારે એની ધરપકડ કરી હતી. એણે ફેસબુક પોસ્ટમાં પવારની માંદગી, દેખાવ, અવાજની ટીકા કરી હતી અને એમ પણ લખ્યું હતું કે આ વરિષ્ઠ નેતા લાંચ લે છે. સ્વપ્નીલ નેટકે નામના એનસીપીના એક થાણેના કલવા શહેરમાં નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે કેતકીની ધરપકડ કરવામાં આવી છે.